ભાણવડમાં અસામાજિક તત્ત્વોના રહેણાંક મકાનોમાં ચેકિંગ દરમ્યાન વીજચોરી ઝડપાતા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ કરી અને ભય ફેલાવતા શખ્સો સામે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ડીવાયએસપી વી. પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડ વિસ્તારમાં સામાજિક તત્ત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ભાણવડના ઈન્ચાર્જ પી.આઈ. પી. જે. ખાંટ તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે ભાણવડ વિસ્તારમાં આવા શખ્સો દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસમાં જુદા જુદા ચાર શખ્સોના રહેણાંક મકાનમાં આવેલા વીજ કનેક્શન અંગેની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. જેમાં વીજચોરી થતી હોવાનું ખુલવા પામ્યું છે.
ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામના ઓસમાન ઉર્ફે ભૂટો જુસબ ઘુઘા નામના શખ્સના રહેણાંક મકાનમાં થતી વીજ ચોરીમાં રૂપિયા 60,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે આ જ ગામના અબ્દુલ ઉર્ફે બાળકો જુસબ સમા અને ફારૂક મુસા ઘાવડાના રહેણાંક મકાનમાંથી પણ થતી વીજચોરીમાં બંનેને રૂ. 10-10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં ભાણવડ પોલીસ તેમજ પીજીવીસીએલની ટીમના કર્મચારીઓ જોડાયા હતા.


