જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આનંદબાગ નજીક રસોઇકામ કરવા માટે આવેલી મહિલા અને મકાનમાલિક વચ્ચે કોઇપણ કારણોસર બોલાચાલી થયા બાદ આરોપી મકાનમાલિકએ મહિલાને છરીના જીવલેણ ઘા ઝિંકી ગંભીર ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં મહિલાની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોનીમાં આનંદબાગ વિસ્તારમાં રહેતા મુકેશભાઇ અગ્રાવતને ત્યાં ગુલાબનગર, શ્યામ ટાવર-2માં રહેતા અને રસોઇકામ કરવા માટે આવતાં ભાવનાબેન ભાવેશભાઇ ચૌહાણ નામના મહિલા તા. 16ના રોજ બપોરના સમયે રસોઇકામ કરવા ગયા હતા. આ દરમ્યાન કોઇપણ કારણોસર રસોઇકામ કરતાં મહિલા અને મકાનમાલિક વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી. આ દરમ્યાન આરોપી મુકેશ અગ્રાવતએ ઉશ્કેરાઇને ભાવનાબેનની ગરદન તથા વાંસાના ભાગે છરીના જીવલેણ ઘા ઝિંકી દીધાં હતાં. ભાવનાબેનને લોહી નિકળતી હાલતમાં સરકારી જી. જી. હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. ભાવનાબેનના ગળાના ભાગની નસ કપાઇ ગઇ હોવાથી તેની હાલત અત્યંત નાજૂક ગણાવાઇ રહી છે.
આ ઘટનાની જાણ થતાં સિટી ‘બી’ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આ બનાવ અંગે ભાવનાબેનના પતિ ભાવેશભાઇ અશોકભાઇ ચૌહાણ દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં મુકેશભાઇ અગ્રાવત વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સિટી ‘બી’ ડિવિઝનના પીઆઇ પી. પી. ઝા તથા તેમની ટીમ તપાસ ચલાવી રહી છે.


