જામનગરના 78-ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવાયો હતો.
‘જનતાની સુખાકારી એ જ મારા જન્મદિવસની ઉજાણી’ એ સૂત્રને આગળ ધપાવીને કુલ 14 જેટલા સેવાકીય પ્રકલ્પોનું લોકાર્પણ તથા વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન 1000 થી વધુ યુવાનો માટે 35 કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. પાંચ પરિવારોને ઇ.વી. રિક્ષાની ભેટ અપાઈ, તેમજ મહિલાઓને સુપોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું.
વોર્ડ નંબર-2 ની રાંદલનગર શાળાના વિદ્યાર્થીઓને ગણવેશની ભેટ આપવામાં આવી. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૨૫ લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું ઇ-લોકાર્પણ તથા વોર્ડ-3 સ્થિત વિજ્યાબા હોલમાં 17 લાખના ખર્ચે ડોમનું નિર્માણ અને ઇ-લોકાર્પણ કરાયું.
તે ઉપરાંત વોર્ડ-2 માં આવેલા શ્રી હનુમાનજી મંદિરનું 10 લાખના ખર્ચે પુનઃનિર્માણ, તેમજ શ્રી સાઈબાબા મંદિર ખાતે 14 લાખના ખર્ચે ડોમનું નિર્માણ પૂર્ણ કરી તેનો પણ ઇ-લોકાર્પણ કરાયું. ડેન્ટલ હોસ્પિટલ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે સોલાર રૂફટોપનું લોકાર્પણ કરાયું.
કાર્યક્રમમાં નેશનલ તથા ઇન્ટરનેશનલ રમતવીરોનું સન્માન પણ કરવામાં આવ્યું. વોર્ડ નંબર-4 ના બુથ પ્રમુખ સ્વ. બલરામભાઈ ચાવડાના પરિવારને રૂ.10 લાખનો ચેક અર્પણ કરાયો. વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ તથા કોર્પોરેટરોને રૂ. 15 લાખનું વીમા કવચ પ્રદાન કરાયું. સાથે જ કુલ 11 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રૂ. 11000 અર્પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ બાદ ધારાસભ્ય રિવાબા જાડેજાએ સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને જનસેવા માટે અવિરત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.


