ખંભાળિયાથી ચાર કિલોમીટર દૂર ઓવરબ્રીજ પાસેથી પસાર થતી એસ.ટી. બસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ શખ્સોએ બસ રોકાવી ડ્રાઇવરને ફડાકા ઝિંકી ધમકી આપી હતી. આ બનાવમાં ક્ધડક્ટરની ફરજમાં રૂકાવટની અને સામાપક્ષે ડ્રાઇવર-ક્ધડક્ટર સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે સામસામી ફરિયાદ નોેંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના રહેતા અને એસટી વિભાગમાં કંડકટર તરીકેની નોકરી કરતા રાજેન્દ્રસિંહ જયવંતસિંહ જાડેજા (ઉ.વ.29) નામના યુવાન ગઈકાલે ગુરુવારે બપોરના સમયે બસમાં જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર દલવાડી હોટલવાળા ઓવર બ્રીજ પાસે પહોંચતા માર્ગમાં આ બસને રોકાવી અને ભાતેલ ગામના શક્તિસિંહ જાડેજા, ક્રિપાલસિંહ તેમજ રવિરાજસિંહ નામના ત્રણ શખ્સોએ ફરિયાદી રાજેન્દ્રસિંહ તથા સાહેદ એવા બસના ચાલકને ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ તેમને ફડાકા ઝીંકીને મુઢ ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે તે ખંભાળિયા પોલીસે બસના કંડકટર રાજેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી તમામ ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પ્રકરણમાં સામા પક્ષે અહીંની વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા શક્તિસિંહ દિલુભા જાડેજાએ સંજયભાઈ તથા રાજેન્દ્રસિંહ જયવંતસિંહ જાડેજા (રહે. ભાતેલ) સામે અહીંના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ પોતાની બસ બેફિકરાઈથી ચલાવીને ફરિયાદી શક્તિસિંહની મોટરકાર સાથે ટક્કર મારી હતી. આ પછી બસ ઊભી નહીં રાખી અને આગળ જતાં તેમણે બસને રોકાવીને પૂછતા આરોપીઓએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


