નેપાળમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે તોફાન અને આગજની વચ્ચે પરિસ્થિતિ કાબુ બહારની જોવા મળી રહી છે. જો કે અનેક સ્થળોએ સલામતીભરી પરિસ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા – કલ્યાણપુર વિસ્તારના ચાર યુવાનો કાઠમંડુમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલે શુક્રવારે ભારત પરત આવવા માટે તેમની ફ્લાઈટની ટિકિટ છે.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા રામદેભાઈ મેરૂભાઈ ચાવડા, કેશોદ ગામના જેસાભાઈ લાખાભાઈ નંદાણીયા, વિરમદળ ગામના દેવાભાઈ બોઘાભાઈ ગોજીયા તેમજ કલ્યાણપુર તાલુકાના ગોલણ શેરડી ગામના પીઠાભાઈ ભીખાભાઈ જોગલ નામના ચાર યુવાનો થોડા સમય પૂર્વે નેપાળના કાઠમંડુ વિસ્તારમાં ગયા હતા અને તેઓ તાજેતરના નેપાળના તોફાનમાં હાલ ફસાઈ ગયા છે. કાઠમંડુની એક સારી હોટલમાં તેઓએ મુકામ કર્યો છે અને અહીં તેઓ સંપૂર્ણ સલામત હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગે ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના રહીશ રામદેભાઈ ચાવડાએ એક વિડીયો જારી કરીને જણાવ્યું છે કે કાઠમંડુની હોટલમાં તમામ ચાર વ્યક્તિઓ સંપૂર્ણ સલામત છે. જો કે બહાર નીકળવામાં કોઈ સલામતી જણાતી નથી. અહીં ફસાયેલા ગુજરાતીઓ કે ભારતીયોને હાલ કોઈ તકલીફ કે હેરાનગતિ નથી. જો કે શુક્રવાર તા. 12 મી ના રોજ તેઓને નેપાળથી ભારત પરત ફરવા માટે ફ્લાઇટની ટિકિટ છે અને સરકાર દ્વારા તેઓને ભારત પરત આવવા માટે ફ્લાઇટ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્ના તથા સંબંધીત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં નેપાળની અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે અહીં ફસાઈ ગયેલા ભારતીય લોકોના પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.


