દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડીમાં રહેતો યુવાન તેની માતા સાથે દ્વારકાથી સુરજકરાડી બાઇક પર આવતો હતો ત્યારે રસ્તામાં ગાય આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે યુવાન સાથે રહેલી તેની માતાને ગંભીર ઇજા થતા હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.
ઓખા મંડળના સુરજકરાડી ખાતેના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઈ જયંતીભાઈ તન્ના (ઉ.વ.35) નામના વેપારી યુવાન તેમના માતા પ્રવીણાબેન જયંતીલાલ તન્ના (ઉ.વ. 64) સાથે મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી સુરજકરાડી ગામે જઈ રહ્યા હતા. ત્યારે વરવાળા ગામ નજીક પહોંચતા તેમની બાઈક આડે એકાએક ગાય દોડતી આવતા મોટરસાયકલને આગળના ભાગ સાથે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં બાઈકમાં જઈ રહેલા પ્રવીણાબેન તન્નાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ભાર્ગવભાઇ તન્નાએ પોલીસને જાણ કરતાં હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


