ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા તા. 06/09/2025 ના રોજ જોખમી હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળીના તડાકા તેમજ તીવ્ર સપાટી પવનો ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાન તથા આસપાસના વિસ્તારમાં સર્જાયેલ નીચા દબાણના ક્ષેત્રના કારણે હાલની પરિસ્થિતિ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને તા. 07/09/2025 ની સવાર સુધીમાં તે દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત વિસ્તારમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
View this post on Instagram
આ હવામાન ચેતવણીને પગલે દરિયામાં રહેલા વેપારી જહાજો, માછીમારી જહાજો તથા અન્ય નૌકાઓને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને દરિયામાં ગયેલા માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક ચેતવણી આપી નજીકના બંદરો અથવા કિનારે પરત ફરવા વિનંતી કરવામાં આવી છે. કમાન્ડર ડીઆઈજી મનજીત સિંહ ગિલ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દરિયામાં રહેલા તમામ માછીમારી જહાજો વિલંબ કર્યા વિના તરત જ કિનારે પરત આવી સુરક્ષિત રહે.
સાથે જ દરિયાકાંઠાના રહેવાસીઓ અને માછીમાર સમુદાયને સતર્ક રહેવા તથા ભારતીય કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પ્રશાસન દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. આ ચેતવણીનો હેતુ માનવીજીવન અને સંપત્તિને સુરક્ષિત રાખવાનો હોવાથી સૌએ સતર્ક રહી સહકાર આપવો જરૂરી છે.


