ખરાબ રોડ, રસ્તાઓના મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવતો ન હોય ધારાસભ્ય હેંમત ખવા દ્વારા આજરોજ નાગરીકોને સાથે રાખી ઈશ્વરીયા ગામેથી પદયાત્રા યોજી હતી.
જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારના રોડ, રસ્તાઓ છેલ્લા ઘણાં સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે જે બાબતે જામજોધપુરના ધારાસભ્ય હેંમત ખવાની રજૂઆતો બાદ જામજોધપુર લાલપુર વિધાનસભા વિસ્તારના મોટા ભાગના રોડ, રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા હતાં. પરંતુ નીચા ભાવોના લીધે કોઇ એજન્સી રોડ, રસ્તાના કામો કરવા તૈયાર નથી. જામનગર જિલ્લામાં અનેક રોડ, રસ્તાના કામોમાં અનેક વખત ટેન્ડર કરવા છતાં હજુ સુધી કોઇ કામ થયા નથી. જેને લઇ ધારાસભ્ય હેંમત ખવા દ્વારા ઈશ્વરીયા ગામથી 16 કિલોમીટરની પદયાત્રા યોજાઇ હતી. ધારાસભ્યની આગેવાનીમાં યોજાયેલા પદયાત્રામાં ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.
View this post on Instagram
ધારાસભ્યએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના 55 જેટલા રસ્તાઓના ટેન્ડરો કોઇ એજન્સીઓ લેવા તૈયાર નથી આ અંગે ધારાસભ્યએ ચાર વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. છતાં પણ 21 મહિનાથી આ અંગે કોઇ નિરાકરણ કરાયું નથી. ઇશ્ર્વરીયા ગામેથી શરૂ થયેલી આ પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચતા વિદ્યાર્થીઓ પણ આ પદયાત્રામાં જોડાયા હતાં. અને રોડ રસ્તા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યા હતાં.


