જામનગરમાં તંત્ર દ્વારા ગણપતિની મુર્તિ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે તેમાં મુર્તિ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે. અને અન્ય સ્થળે પ્રતિબંધ હોવા છતાં લોકો જીવના જોખમે સિકકા જેટી તથા વિજરખી ડેમ સહિતના સ્થળોએ મુર્તિ વિસર્જન કરી રહ્યા છે.
જામનગરમાં ગણેશોત્સવ દરમ્યાન 3 દિવસ, 5 દિવસ, 7 દિવસથી લઇ 10 દિવસ માટે ગણેશજી ની મૂર્તિઓની સ્થાપના થતી હોય છે. જેના અનુસંધાને વિસર્જનની વિધિ કરવામાં આવે છે. 3 દિવસ પહેલા જ નાઘેડી પાસે તળાવમાં વિસર્જન દરમ્યાન પ્રજાપતિ પરિવારના યુવાન અને તેનાં બે પુત્રો ડૂબી જતાં એક જ પરિવારના ત્રણ સભ્ય મૃત્યુ થવાથી કરૂણાંતિકા સર્જાઇ હતી.
આ પછી જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનર તથા જિલ્લા પોલીસ વડા સહિત નાં અધિકારીઓએ લોકોને અપીલ કરી કે તંત્ર દ્વારા નિર્મિત કૃત્રિમ કુંડ માં જ વિસર્જન કરવું’ પરંતુ તેમ છતાં પણ અનેક લોકો પ્રતિબંધ હોય તેવા સ્થળોએ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરતા જોવા મળી રહ્યા છે.
નાઘેડી પાસે ની કરૂણાંતિકા અને અધિકારીઓ ની અપીલ પછી પણ લોકો વીજરખી ડેમમાં વિસર્જન કરતા નજરે ચડ્યા હતાં. જળાશયોમાં કમરડૂબ પાણી સુધી અંદર જઇ મૂર્તિ વિસર્જન કરતા લોકો જીવના જોખમે વિધિ કરી રહૃાા છે એમ કહી શકાય.
આ ઉપરાંત જામનગર નજીક સિક્કા પાસે આવેલી એક જેટી પરથી પણ કેટલાક લોકો ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતા જોવા મળ્યા હતા. જેમાં કેટલાક લોકો તો ગણપતિની મૂર્તિ સાથે પાણીમાં છલાંગ લગાવતા પણ જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા શહેર આસપાસનાં જળાશયો પર તેમજ જેટી વગેરે સ્થળો પર બંદોબસ્ત ગોઠવવો જોઇએ એવી માંગ ઉઠી છે.


