જામનગર શહેર અને જિલ્લામાં ગણેશોત્સવ અંતર્ગત એક દિવસે, બે દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, નવ દિવસ અને અગિયાર દિવસના ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. પૂજા-અર્ચના કર્યા બાદ વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવે છે. પરંતુ દરવર્ષે ગણપતિ વિસર્જન દરમ્યાન ડૂબી જવાથી મોત નિપજવાની ઘટના બનતી હોય છે. જ્યારે રવિવારે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા લહેર તળાવમાં ગણપતિ વિસર્જન કરતા સમયે યુવાન પિતા અને તેના બે માસુમ પુત્રોના ડૂબી જવાથી મોત નિપજયાની કરૂણ ઘટનાએ હાલારને હચમચાવી દીધું હતું.
View this post on Instagram
આ કરૂણ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેર-જિલ્લામાં ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ ઉત્સવ દરમ્યાન રવિવારે પાંચ દિવસના ગણપતિનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. વિસર્જન દરમ્યાન જામનગર શહેરના રામેશ્ર્વરનગરના જલારામ પાર્કની શેરી નંબર એકમાં રહેતા અને નોકરી કરતાં પ્રિતેશભાઇ દિલીપભાઇ રાવલ તથા તેમનો પરિવાર નાઘેડી ગામમાં આવેલા લહેર તળાવમાં સાંજના સમયે ગણપતિ વિસર્જન માટે ગયા હતા. તળાવમાં મૂર્તિને પધારવવા જતાં સમયે પ્રિતેશભાઇ દિલીપભાઇ રાવલ (ઉ.વ.37), તથા તેના બે પુત્રો સંજય પ્રિતેશભાઇ રાવલ (ઉ.વ.16), અંશ પ્રિતેશભાઇ રાવલ (ઉ.વ.4) નામના ત્રણેય વ્યક્તિઓ તળાવના ઉંડા પાણીમાં ડૂબી જવાથી બહાર રહેલા લોકોએ બૂમાબૂમ કરતાં અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. બનાવની જાણના આધારે ફાયર અને પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.
તળાવમાંથી શોધખોળ કરાતા સંજય અને અંશ નામના બન્ને ભાઇઓના મૃતદેહ મળી આવ્યા હતા. બન્ને ભાઇઓના એકસાથે મોત નિપજતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાતા થોડા સમય પછી પિતા પ્રિતેશભાઇ રાવલ નામના યુવાનનો મૃતદેહ પણ મળી આવતાં પ્રજાપતિ પરિવારમાં આક્રંદ છવાઇ ગયો હતો. એએસઆઇ વાય. વી. જાડેજા તથા સ્ટાફ દ્વારા પિતા અને બે પુત્રો સહિત ત્રણેય મૃતદેહોને જી. જી. હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રામેશ્ર્વરનગર વિસ્તારમાં પિતા અને બે પુત્રો સહિત ત્રણ વ્યક્તિના એકસાથે તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજયાની ઘટનાએ સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.


