લખનૌની મહિલા ડોકટરને એક યુવક પરેશાન કરી રહ્યો હતો. એક દિવસમાં 1000 કોલ અને 5000 મેસેજ જેમાં અશ્લીલ સંદેશાઓ તેમજ ફોટા મોકલ્યા હતાં. પરેશાન મહિલા ડોકટરે 1090 ઉપર ફરિયાદ કરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
લખનૌમાં ડો. રામ મનોહર લોહિયા ઈન્સ્ટીટયુટના મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે એક ચોંકાવનારી ઘટના બની હતી. બસ્તીનો રહેવાસી 41 વર્ષિય મહેશ તિવારી લાંબા સમયથી ફોન કોલ્સ અને અશ્લીલ સંદેશાઓ મોકલીને તેણીને હેરાન કરી રહ્યો હતો. તો હોસ્પિટલથી છેક ઘર સુધી તેણીનો પીછો કરવાનું પણ તેણે શરૂ કરી દીધું હતું. ત્યારે તેણીએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી તેને છેલ્લાં ઘણાં મહિનાથી માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો તે દિવસમાં 1000 થી વધુ વખત ફોન કરતો અને 5000 થી વધુ અશ્લીલ મેસેજ અને ફોટા મોકલ્યા છે.
આ ઉપરાંત તેણીએ કહ્યું કે, મોબાઇલ નંબર બ્લોક કર્યાપછી તે બીજા નવા નંબરથી કોલકરતો ત્યારે તેને સતત માનસિક ત્રાસ રહેતો અને અંતે તેણીએ 12 મે ના રોજ પરેશાન થઈને 1090 મહિલા પાવર લાઈન પર ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે તેને પકડીને ચેતવણી આપી છોડી દીધો અને તેઓનું માનવું હતું કે, તે ફરી આવું નહીં કરે પરંતુ, તે ધારણા ખોટી પડી અને ચેતવણી આપ્યા પછી પણ તે વધુ આક્રમક રીતે કોલ અને મેસેજ કરતો રહ્યો તેમજ એક દિવસ તો તે તેણીનો પીછો કરતો કરતો તેના એપાર્ટમેન્ટ સુધી પહોંચી ગયો હતો અને અચાનક જ લીફટની રાહ જોતી વખતે તે તેની પાસે આવી ઉભો રહી ગયો તેને જોતા જ મહિલા ડોકટરે ચીસ પાડી અને તરત જ સુરક્ષા ગાર્ડ આવીને આરોપીને પકડી લીધો અને મેનેજમેન્ટને જાણ કરી. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ને તેની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે પુરી તપાસ હાથ ધરી હતી.
મહિલા ડોકટરનું કહેવું છે કે, તેને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે કારણ કે તેના કારણે તેણીએ ખુબજ માનસિક ત્રાસ ભોગવ્યો હતો. તે તેના કામ પર ફોકસ કરી શકતી ન હતી અને સતત માનસિક તાણ ભોગવતી હતી. તેણીનું કહેવું છે કે, શારીરિક હિંસા જેટલો જ ખતરનાક માનસિક તણાવ છે. સતત ફોન કોલ્સ અને મેસેજના કારણે તેનું માનસિક સંતુલન બગડતું હતું અને ભવિષ્યમાં બીજી કોઇ મહિલાને આવી સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે આ આરોપીને કડક સજા થવી જોઇએ.


