Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં વાજતે ગાજતે વિઘ્નહર્તાની પધરામણી - VIDEO

છોટીકાશીમાં વાજતે ગાજતે વિઘ્નહર્તાની પધરામણી – VIDEO

આજથી 11 દિવસ સુધી દુંદાળાદેવની પૂજા અર્ચના કરશે : મહાઆરતી, અન્નકોટ, ભજન સહિતના કાર્યક્રમોના આયોજનો થશે

જામનગર સહિત હાલાર પંથકમાં આજે ગણેશચતુર્થીને લઈ ગણેશભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. નાના મોટા અનેક પંડાલો તેમજ ઘરોમાં આજે વાજતેગાજતે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે ગણપતિ બાપા મોરીયા ના નાદ સાથે શહેરીજનોએ ગણપતીજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરી હતી. તેમજ ગણેશજીની મૂર્તિ લેવા માટે લોકો ગઈકાલથી જ મોટી સંખ્યામાં ઉમટયા હતાં.

- Advertisement -

ધર્મનગરી છોટી કાશીમાં એક માસ સુધી શહેરીજનો શિવભકિતના રંગે રંગાયા બાદ હવે ગણપતિજીના રંગે રંગાશે. શિવજીની ભક્તિનો તહેવાર એવો પવિત્ર શ્રાવણ પૂર્ણ થયો છે અને દેવાધિદેવ મહાદેવના પુત્ર દુંદાળાદેવ ગણપતીજીનો ઉત્સવ આવી ચૂકયો છે. વિઘ્નહર્તા, ગૌરી પુત્ર ભગવાન શ્રી ગણેશની ગણેશચતુર્થીનું આજે પર્વ છે. આ દિવસથી માંડીને અનંત ચતુદર્શીના દિવસ સુધી ગણપતી ભગવાનનું પુજન અર્ચન કરવામાં આવે છે. છેલ્લાં થોડા ઘણાં વર્ષોથી જામનગરમાં પણ ગણેશ ચતુર્થી ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે અને શહેરીજનો રંગેચંગે ગણપતીજીની સ્થાપનાથી દસ દિવસ સુધી પૂજન અર્ચન કરે છે. જામનગર સહિત હાલાર પંથકમાં વિઘ્નહર્તાનું આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 11-11 દિવસ સુધી ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે વિઘ્નહર્તા ગણપતીજીનું પૂજન-અર્ચન કરવામાં આવશે. આજે સવારથી જ ઢોલ-નગારાના તાલ સાથે ગણેશભકતો દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. પીઓપીની મૂર્તિને લઈ પ્રદૂષણ થતું હોય, લોકોમાં પણ જાગૃત્તતા આવી છે અને માટીની ગણપતીની મૂર્તિઓ લેવાની સ્વેચ્છાએ પસંદગી કરી રહ્યા છે જે એક આગામી સમયમાં સારી બાબત ગણી શકાય. ગઈકાલે સાંજથી લોકો ગણપતીજીની મૂર્તિ લેવા ઉમટયા હતાં જામનગર રણજીતસાગર રોડ ઉપર અનેક સ્ટોલોમાં ગણપતીજીની મૂર્તિનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં તંત્ર દ્વારા પણ સરકારી ગાઈડલાઈનને અનુસરીને પીઓપીની મૂર્તિ નહીં વેંચવા સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. છોટીકાશીમાં ગણેશ મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. 11 દિવસ સુધી ગણપતીજીનું પૂજન અર્ચન, સત્યનારાયણ ભગવાનની કથા, અન્નકૂટ દર્શન સહિતના આયોજનો કરવામાં આવશે. જામનગરમાં ચાંદી બજાર ખાતે મરાઠા મંડળ, બેડી ગેઈટ પાસે દગડું શેઠ, લાખોટા તળાવ પાસે જામનગરના રાજા સહિત અનેક નાના મોટા મંડળો દ્વારા પંડાલોમાં ગણપતીજીની સ્થાપના કરવામાં આવશે તેમજ અનેક ઘરોમાં પણ ગણપતીજીની સ્થાપનાના આયોજનો કરવામાં આવ્યા છે.

- Advertisement -

આજથી 11 દિવસ સુધી જામનગરમાં ગણેશ મહોત્સવની ઉજવણી થશે આ દરમિયાન સાર્વજનીક મંડળો, ઘરોમાં તથા સોસાયટીઓમાં ગણેશ મહોત્સવની ઉજવણી થશે આ દરમિયાન અન્નકોટ, મહાઆરતી, સત્યનારાયણની કથા, ભજનો, ગરબા, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજનો થશે. કેટલાક લોકો ઘરોમાં દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ માટે પણ દુદાળા દેવની સ્થાપના કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular