જામનગર શહેર અને જિલ્લામાં આજે જૈનોના પર્યુષણ મહાપર્વના અંતિમ સંવત્સરીનો દિવસ છે. સંવત્સરીના દિવસે દેરાસરોમાં પૂજા-અર્ચના અને ઉપાશ્રયોમાં સાધુ-સાઘ્વીજીઓ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. આજે સંવત્સરીના દિવસે જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા પ્રતિક્રમણ કર્યા બાદ સમગ્ર વર્ષ દરમ્યાન કરેલા દરેક પ્રકારના પાપોની માફી માંગી ‘મિચ્છામી દુક્કડ્મ’ કરશે.
જૈનોના પાવનકારી પર્યુષણ પર્વ પૂર્ણાહુતિ તરફ છે. આજે સંવત્સરીની ઉજવણી થશે. આવતીકાલે ગુરૂવારે તપસ્વીઓના પારણા તેમજ વરઘોડો યોજાશે. જૈન સમાજ દ્વારા પાવનકારી પર્યુષણ મહાપર્વની ઉજવણી કરાઇ રહી છે. પર્યુષણ પર્વ દરમ્યાન જામનગર શહેરના તમામ ઉપાશ્રયો દેરાસરોમાં ધાર્મિક વ્યાખ્યાનો સહિતના આયોજનો થયા હતા. શહેરમાં આવેલા ચાંદીબજારના ચોરીવાળા દેરાસરજી, શેઠજી દેરાસર, મોટા દેરાસર, ઓશવાળ કોલોની, કામદાર કોલોની, પેલેસ દેરાસર સહિતનામાં પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ આંગી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં પર્યુષણ દરમ્યાન શહેરમાં સ્થાનકવાસી અને દેરાવાસીમાં 6 ઉપવાસથી લઇને વરસી તપ સુધીની તપશ્ચર્યાઓ કરવામાં આવી છે. જેમાં સ્થાનિકવાસીમાં ચાંદીબજારમાં જૈન પ્રવાસી ગૃહ, કે. ડી. શેઠ ઉપાશ્રય, પટેલ કોલોની ઉપાશ્રય, રણજિતનગર ઉપાશ્રય, તેજપ્રકાશ ઉપાશ્રયોમાં એક માસખમણ, બે 30 ઉપવાસ, એક 21 ઉપવાસ, 6 સોળ ઉપવાસ, આઠ 11 ઉપવાસ, અગિયાર 9 ઉપવાસ, 67 આઠ ઉપવાસ, આઠ 6 ઉપવાસ આમ કુલ 106 તપસ્યા કરવામાં આવી છે.
આજે સંવત્સરી નિમિત્તે બારસા સૂત્ર ગ્રંથની અષ્ટપ્રકારી પૂજા, ગ્રંથનું વાંચન સહિતના કાર્યક્રમો તથા ઘીની બોલી, સામૂહિક પ્રતિક્રમણ સાથે સાંવત્સરિક ક્ષમાપના સહિતના કાર્યક્રમો યોજાયા છે. ત્યારબાદ આવતીકાલે સ્થાનકવાસી અને દેરાવાસીના તપસ્વીઓના સમૂહ પારણા તથા તપસ્વીઓનો વરઘોડો યોજાશે.


