જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી નજીક આજે સવારે ખાનગી કંપનીની લકઝરી બસ અને બોલેરો વચ્ચે અકસ્માતમાં બોલેરોમાં સવાર વ્યક્તિનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આજે સવારના સમયે ખાનગી કંપનીની લકઝરી બસ અને બોલેરો અથડાતાં અકસ્માત સર્જા્યો હતો. આ અકસ્માતમાં બોલેરોમાં બેસેલા એક વ્યક્તિનું માથું ફાટી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં બોેલેરોનો બૂકડો બોલી ગયો હતો. અકસ્માત થવાથી ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ચક્કાજામ થઇ ગયો હતો. બનાવની જાણના આધારે પોલીસ કાફલો તથા એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ઘવાયેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા અને તેના પરિવારજનોને જાણ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


