દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. દ્વારકા તાલુકામાં મંગળવારે ધોધમાર 5 ઈંચ વરસાદ બાદ બુધવારે કલ્યાણપુર પંથકમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસી જતા ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
દ્વારકા પંથકમાં જારી રહેલી મેઘ મહેર વચ્ચે ગઈકાલે બપોરથી સાંજ સુધીમાં ભારે ઝાપટા રૂપે આશરે સાડા ત્રણ ઈંચ પાણી પડી ગયું હતું. આમ, આજે સવાર સુધીમાં દ્વારકા તાલુકામાં 89 મી.મી. વરસાદ નોંધાયો છે.
કલ્યાણપુર પંથકમાં સૌથી વધુ મેઘરાજાએ વહાલ વરસાવ્યું છે. જેમાં ગઈકાલે વધુ અઢી ઈંચ (60 મી.મી.) પાણી પડી ગયું હતું. કલ્યાણપુર તાલુકાના ભાટિયા, લાંબા, રાજપરા, ભોગાત સહિતના ગામોમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ સાથે દ્વારકામાં ગઈકાલે બુધવારે પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા આ વિસ્તારના દરિયાકાંઠે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જગત મંદિરે પણ સાવચેતીના ભાગરૂપે વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
ભાણવડ તાલુકામાં કાચા સોના જેવો પોણા બે ઈંચ (41 મી.મી.) વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયામાં માત્ર હળવા ઝાપટા રૂપે 14 મી.મી. પાણી વરસ્યું હતું. સાર્વત્રિક મુશળધાર વરસાદના પગલે જળ સ્ત્રોતોમાં નવા નીરની નોંધપાત્ર આવક થવા પામી છે. આ વરસે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 27 ઈંચ (671 મી.મી.) થવા પામ્યો છે.
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ પાસે એક બિલ્ડિંગમાં બુધવારના ભારે વરસાદના પગલે ચારેય તરફથી પાણી આવી જતા તેમાં 17 જેટલા સ્ત્રી, પુરુષ અને બાળકો ફસાઈ ગયા હતા. જે અંગેની જાણ ખંભાળિયા ફાયર સ્ટાફના અધિકારી મીતરાજસિંહ પરમારને કરવામાં આવતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બોટ મારફતે આ તમામ 17 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.


