જામનગર તાલુકાના દરેડ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સિક્યરિટી એજન્સીના સુપરવાઈઝર સાથે ગાળાગાળી અને ઝઘડો કરી માર માર્યાના બનાવમાં માલિક દ્વારા હુમલાખોરોને પૂછવા જતાં બે મહિલા સહિતના છ શખ્સોએ પ્રૌઢ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં સિક્યોરિટી એજન્સી ચલાવતાં હરદેવસિંહ બટુકસિંહ વાળા (ઉ.વ.57) નામના પ્રૌઢની એક્ટિવ સિક્યોરિટી સર્વિસમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં સંજીવકુમાર દ્વિવેદી નામના યુવાનને સુનિલ નંદા તેના પુત્ર વિશાલ નંદા નામના બન્ને પિતા-પુત્ર શખ્સોએ સંજીવકુમાર સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો. આ મામલે સંજીવકુમારને ફોન કરી હુમલાખોરોએ બોલાવ્યો હતો. ત્યારે સિક્યોરિટી સર્વિસના માલિક હરદેવસિંહ બુધવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પહોંચ્યા હતા અને તેણે સુનિલ નંદાને, ‘તમે સુપરવાઈઝરને કેમ માર્યો હતો?’ તેમ પૂછતાં સુનિલ નંદાએ લોખંડના પાઇપ વડે હરદેવસિંહ ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ વિશાલ નંદા, ધુ્રવ નંદા, રોહિત નંદા, નિશા સુનિલ નંદા અને માયાબેન વશિયર નામના શખ્સો આવી ગયા હતા અને છએય શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હરદેવસિંહ તથા સુપરવાઈઝર સંજીવકુમાર ઉપર હુમલો કર્યો હતો. બન્ને મહિલાઓએ બન્નેને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
હુમલામાં ઘવાયેલા હરદેવસિંહ અને સુપરવાઈઝર સંજીવકુમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ એમ. એમ. જાડેજા તથા સ્ટાફએ બે મહિલા સહિત 6 શખ્સો વિરૂઘ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


