જામનગર શહેરમાં ગઇકાલે રાત્રીના સમયે અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ વચ્ચે પોણા બે ઇંચ વરસાદ વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. રાત્રીના સમયે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. લાલપુર પંથકમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જન્માષ્ટમીના પર્વમાં પણ જામનગર શહેર જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. આજે સવારે પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને જામનગર શહેરમાં મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો.
જામનગર શહેરમાં ગઇકાલે રાત્રીના સમયે 2 વાગ્યા આજુબાજુ મેઘરાજાની પધરામણી થઇ હતી. વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. મેઘરાજાએ સટાસટી બોલાવતા રાત્રે 2 થી 4 દરમિયાન પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાત્રીના સમયે શહેરીજનો સુતા હોય વિજળીના ભારે કડાકા ભડાકાને કારણે શહેરીજનોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. વરસાદને પરીણામે માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જામનગર ઉપરાંત લાલપુર તાલુકામાં પણ ગઇકાલે રાત્રીના સમયે મેઘરાજાની પધરામણી થઇ હતી. અને અડધો ઇંચ પાણી વરસ્યુ હતું. આ ઉપરાંત જામજોધપુર પંથકમાં પણ 6 મી.મી. પાણી વરસ્યું હતું. ઉલ્લેખનીય છે કે જામનગર શહેર જિલ્લામાં લાંબા વિરામ બાદ જન્માષ્ટમી પર્વ ટાંકણે મેઘરાજાનું પુન: આગમન થયું હતું. જામનગરમાં જન્માષ્ટમીના પર્વ દરમિયાન પણ છુટાછવાયા ઝાપટા જોવા મળ્યા હતાં. જન્માષ્ટમીના મેળા વચ્ચે લોકોની વરસાદે મજા બગાડી હતી.
ગઇકાલે જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકાના નવાગામમાં 2 ઇંચ, મોટા પાંચ દેવડામાં પોણા બે ઇંચ, ભલસાણ બેરાજામાં અડધો ઇંચ, ખરેડીમાં 8 મી.મી., મોટા વડાળામાં 5 મી.મી., જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં દોઢ ઇંચ, ધ્રાફામાં સવા ઇંચ, સમાણામાં એક ઇંચ, શેઠવડાળા તથા જામવાડીમાં અડધો-અડધો ઇંચ, પરડવામાં 8 મી.મી., ધુનડામાં 2 મી.મી., લાલપુર તાલુકાના પડાણામાં સવા ઇંચ, હરીપરમાં 1 ઇંચ, મોટા ખડબામાં પોણો ઇંચ, ભણગોરમાં 5 મી.મી., પીપરટોડામાં 13 મી.મી., જામનગર તાલુકાના વસઇ, લાખાબાવળ તથા દરેડમાં અડધો-અડધો ઇંચ, અલીયાબાડામાં 5 મી.મી. વરસાદ નોંધાયો હતો.


