જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસેના વિસ્તારમાં રહેતા વેપારી ઉદ્યોગનગરમાં ઇલેકટ્રીક સ્કૂટર પર જતા હતા ત્યારે અચાનક સ્કૂટર સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા પહોંચતા વેપારીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા ખેડૂત વેપારી હરિશભાઇ છગનભાઇ મુંગરા (ઉ.વ.47) નામના યુવાન ગત્ તા. 13ના રોજ સાંજના સમયે તેના જીજે03-એમએસ-1631 નંબરના ઇલે. સ્કૂટર પર ઉદ્યોગનગરમાં આવેલા તેમના કારખાને જતા હતા ત્યારે ઉદ્યોગનગર વિસ્તારમાં મેટાલિક બ્રાસ પાસે પહોંચ્યા ત્યારે અચાનક સ્કૂટર સ્લીપ થતાં વેપારીને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ રાજેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એફ. જી. દલ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


