દ્વારકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો પર્વ દર વર્ષે જેવો આ વર્ષે પણ ભવ્ય હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ પાવન પ્રસંગે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ દ્વારકા અને બેટ-દ્વારકા પધારે છે, જેના કારણે શહેરમાં ભારે ભીડ એકત્ર થાય છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપીને આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ આ વખતે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં કુલ અંદાજે 1800 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં 1 એસપી, 7 ડીવાયએસપી, 2 વરિષ્ઠ અધિકારી તેમજ લગભગ 70 પીઆઈ અને પીએસઆઈનો સમાવેશ થાય છે. ઉપરાંત એલસીબી, એસઓજી તથા સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓ પણ ફરજ પર રહેશે. આઈજી રેન્જ હેઠળના ચાર જીલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવ્યો છે.
શહેર અને મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા દ્વારા ચોવીસે કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે, જ્યારે ભીડ નિયંત્રણ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ચુસ્ત નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. મંદિર આસપાસનો એક કિલોમીટર વિસ્તાર ડ્રોન ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બની શકે. એલસીબી અને એસઓજીની ટીમો શહેરના વિવિધ વિસ્તારો તેમજ દ્વારકાધીશ મંદિર પરિસરમાં સતત પેટ્રોલિંગ કરશે.
શ્રદ્ધાળુઓને તાત્કાલિક મદદ આપવા ‘C’ ટીમ કાર્યરત રહેશે, તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તોને પોલીસકર્મીઓ મદદરૂપ થશે. ભીડમાં ખોવાયેલા લોકોને શોધી આપવા હેલ્પડેસ્ક ગોઠવવામાં આવશે, જ્યારે ચોરી, ખીસ્સાકાતર અથવા અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર તરત જ કાર્યવાહી કરવામાં આવશે.
આ સઘન સુરક્ષા બંદોબસ્તને કારણે શ્રદ્ધાળુઓ નિશ્ચિંત બનીને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકશે અને જન્મોત્સવના ધાર્મિક કાર્યક્રમોમાં કોઈ અવ્યવસ્થા કે સુરક્ષાની ચિંતા વિના ભાગ લઈ શકશે.


