દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા નશાયુક્ત પીણા સંદર્ભેની કરવામાં આવેલી કાર્યવાહીમાં દુકાનદારો, વિક્રેતાઓ, હોલસેલ વેપારીઓ ઉપરાંત પ્રોડક્શન યુનિટ સુધી તપાસ ચલાવીને મોટી સંખ્યામાં આરોપીઓને દબોચીને કડક કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં જિલ્લા પોલીસે ત્રણ શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી અને જુદી જુદી જેલ ખાતે મોકલી દેવાયા હતા.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શારીરિક રીતે હાનિકર્તા આયુર્વેદિક સીરપ તેમજ હેન્ડ રબ (સેનીટાઈઝર) ની આડમાં નશા યુક્ત પીણાનો કાળો કારોબાર ચલાવતા શખ્સો સામે અહીંના એસ.પી. નિતેશ પાંડેય દ્વારા કડક હાથે કાર્યવાહી કરવા માટે આપેલી સૂચનાને અનુલક્ષીને એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તથા તેમની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી હતી. આને અનુલક્ષીને એલસીબીના પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા આયુર્વેદિક સીરપ અને હેન્ડ રબ (સેનિટાઈઝર) ની આડમાં નશાયુક્ત પીણાનો કારોબાર ચલાવીને સમાજમાં નશો ફેલાવતા આરોપીઓ સામે અંકુશાત્મક પગલાં લીધા હતા.
જેમાં મૂળ કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના રહીશ અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ ઉર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજા (ઉ.વ. 45), ખંભાળિયામાં ગુંદી ચોક વિસ્તારમાં રહેતા ચિરાગ લીલાધરભાઈ થોભાણી (ઉ.વ. 34) અને અહીંના શક્તિનગર વિસ્તારમાં રહેતા અકરમ નઝીર બનવા (ઉ.વ. 37) નામના ત્રણ શખ્સોના ગુનાહિત ઈતિહાસ અંગેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરી અને અસરકારકતાપૂર્વકની પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત અહીંના જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવતા તેમના દ્વારા સમાજના લોકોમાં નશાકારક પ્રવૃત્તિ પર રોગ લગાવવા અંગેનો હકારાત્મક અભિગમ અપનાવીને આરોપીઓના પાસાની દરખાસ્ત મંજૂર કરી, અટકાયતી વોરંટ કરવામાં આવ્યું હતું.
જેને અનુલક્ષીને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા તેમની ટીમ દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સોને રાઉન્ડ અપ કરી અને વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓને અનુક્રમે પાલનપુર (બનાસકાંઠા), પલારા ખાસ જેલ – ભુજ અને લાજપોર મધ્યસ્થ જેલ (સુરત) ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. ગોહિલ, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, વી.એન. સિંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, સજુભા, જયદેવસિંહ, દિનેશભાઈ, ગોવિંદભાઈ, સહદેવસિંહ, પીઠાભાઈ, સચીનભાઈ, ક્રિપાલસિંહ તેમજ કલેકટર કચેરીના નાયબ મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


