જામનગર શહેરના રણજિતસાગર રોડ પર વેપારીની રેંકડીએ કામ કરતાં શખ્સએ ગોટાળા કરતો હોવાથી નોકરી પરથી છૂટો કરી દીધાનો ખાર રાખી ચાર શખ્સોએ વેપારી ઉપર લોખંડની મુઠ અને છરી વડે હુમલો કરી વેપારી તથા તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર ચૂનાના ભઠ્ઠા પાસેના વિસ્તારમાં રહેતાં અને રણજિતસાગર રોડ પર રેંકડી ચલાવતાં જેન્તીભાઇ ભીખાભાઇ ઢાપા (ઉ.વ.45) નામના વેપારી યુવાનની રેંકડી પર નોકરી કરતો સતિષ ભાનુશાળી છેલ્લા ચાર-પાંચ દિવસથી વેપારમાં ગોટાળા કરતો હતો. જેથી જેન્તીભાઇએ સતિષને 08 તારીખે નોકરીમાંથી છુટો કરી દીધો હતો. જે બાબતનો ખાર રાખી શનિવારે બપોરના સમયે સતિષ ભાનુશાળી, તેનો ભાણેજ અને બે અજાણ્યા સહિત ચાર અજાણ્યા શખ્સોએ જેન્તીભાઇની રેંકડી પાસે આવી વેપારી તથા તેના પુત્રને જેમ ફાવે તેમ ગાળો કાઢી વેપારી ઉપર લોખંડની મુઠ અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. વેપારી પિતા-પુત્રને ઝાપટો મારી ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. બી. જે. જાડેજા તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


