તહેવારો આવે અને લોકો ટ્રીપ પર નિકળી પડે. લગ્નની સીઝન શરૂ થાય અને લોકો ડેસ્ટીનેશન વેડીંગ કે હનીમુન પેકેજમાં નિકળી પડે છે. આમ, દિવસેન દિવસે લોકોમાં વિદેશ પ્રવાસનો ચસ્કો લાગી ગયો છે. દર વર્ષે વિદેશ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જ થતો જોવા મળી રહ્યો છે. આમ તો હવે આખુ વર્ષ ટુરીસ્ટ માટે સીઝન જ બની ગયું છે. કોઇને કોઇ સ્થાન તો કોઇને કોઇ સીઝન માટે અનુકુળ હોય જ છે અને લોકો પણ સતત ટ્રીપો કરતા જ રહે છે.
હાલ જુદી જુદી ટુર કંપનીઓ દ્વારા પણ લોકોને વિદેશ પ્રવાસના આકર્ષક પેકેજ આપવામાં આવે છે ત્યારે એક તારણ મુજબ ફોરેનર્સ જેટલા ભારતમાં આવે છે તેનાથી ત્રણ ગણા વધુ ભારતીયો વિદેશ ફરવા જઈ રહ્યા છે. આ એક ટ્રેન્ડ બની ગયો છે, એક સ્ટેટસ બની ગયું છે. કોણ કઇ જગ્યાએ ફરવા જઈ રહ્યું છે તે મુજબ તેની કેપેસીટી નક્કી થતી હોય તેવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગ્ન નક્કી થાય કે તરત જ લગ્નની તૈયારીઓ સાથે હનીમુન પર કઇ ફોરેન ટ્રીપ લેવી તે નક્કી કરવા સર્ચ શરૂ થઈ જાય છે. વેકેશન નજીક આવે અને તરત જ ટીકીટો બુક કરવાની મથામણો શરૂ થઈ જાય છે તેમાં પણ બજેટ ફ્રેન્ડલી આંતરરાષ્ટ્રીય પ્રવાસોની જાહેરાતો લોકોના માનસ પર છવાઇ જાય છે. આ સાથે નવી સંસ્કૃતિને જાણવા નવી જગ્યા એકસપ્લોર કરવા નવા ફુડને એકસપ્લોર કરવા માટે લોકો આનંદ સાથે વિદેશ પ્રવાસો કરી રહ્યા છે.
આ ફરવાના સ્થળોમાં સૌથી લોકપ્રિય વિદેશ પ્રવાસોના લીસ્ટ પર નજર કરીએ તો થાઈલેન્ડ, બાલી, વિયેતનામ, દુબઇ, સીંગાપોર વગેરે છે. આ ઉપરાંત બીજા પણ ઘણાં પ્રવાસન સ્થળો પર લોકો પહોંચી રહ્યા છે. વર્ષ 2024 ના આંકડા પર નજર કરીએ તો લોકો સૌથી વધુ યુએઈ માં 77.87 લાખ પહોંચ્યા છે. જ્યારે સાઉદી અરેબિયામાં 34.23 લાખ, યુએસમાં 21.44 લાખ, થાઈલેન્ડમાં 19.08 લાખ, સિંગાપોરમાં 15.35 લાખ, યુકેમાં 13.23 લાખ, કતાર 11.40 લાખ, કેનેડા 9.46 લાખ, કુવૈતમાં 9.06 લાખ, ઓમાનમાં 8.64 લાખ લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે ગત વર્ષમાં વિદેશથી 99,51,722 ટુરીસ્ટ ભારત આવ્યા જ્યારે કુલ 3,08,85,048 ટુરીસ્ટ વિદેશી ગયા હતાં. ભારતમાં 62 થી વધુ દેશોના લોકો આવે છે જ્યારે ભારતીયો 67 થી વધુ દેશોમાં જઇ રહ્યા છે.
હાલ રાષ્ટ્રીય પ્રવાસન પણ ખુબ વિકસી રહ્યું છે. લોકોને જે સુવિધાઓ વિદેશી પ્રવાસન સ્થળો પર મળે તેવું જ રાષ્ટ્રીય પ્રવાસનો પણ વિકસી રહ્યા છે ત્યારે હવે આપણે આપણી માનસિકતા સુધારીને રાષ્ટ્રીય પ્રવાસન સ્થળોને મહત્વતા આપવી જોઇએ. એક કહેવત અહીં લાગુ પડી શકાય તો ખુબ સારું કહેવાય કે ‘ઘી ઢોળાઈ તો ખીચડીમાં જ’ આપણો પૈસો વિદેશમાં જાય તેના કરતા આપણા ભાઈઓને રોજગારી મળે તે વધુ ઉત્તમ છે. જ્યારે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ ભારત પહોંચે ત્યારે તેના દ્વારા પણ આપણા ટુરીઝમને વેગ મળે છે. દેશમાં રોજ 80 લાખથી વધુ લોકો ફરવા જાય છે. વર્ષે દેશની વસ્તીથી બમણી 295 કરોડ ટુરીસ્ટ વિઝીટ કરે છે. પ્રવાસન એક મોટા બિઝનેસ તરીકે વિકસી રહ્યું છે ત્યારે જો નેશનલ ટુરીઝમને વેગ મળે તો ભારતીય ટુરીઝમ આકાશની ઉંચાઈએ આંબી જાય. પ્રવાસન ક્ષેત્રનું અર્થતંત્રમાં 5.22 ટકા યોગદાન છે.


