તાજેતરમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતની રોમાંચક જીત બાદ જામનગરના જામસાહેબે પોતાના વિચારો રજૂ કરી ભૂતકાળના સંસ્મરણો વાગોડયા છે.
જામસાહેબે જણાવ્યું છે કે, તાજેતરમાં થયેલી મારી મિત્રતાની ભેટરૂપે મેળવેલ ખૂબ સુંદર મોટી સ્ક્રીનવાળી ટી.વી. મળવાના કારણે હું અંદાજે દશેક વર્ષ પછી પાછો ક્રિકેટ જોવા લાગ્યો. વિલાયતમાં હાલમાં પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ જોઇ તેમાં ખાસ કરીને પાંચમા ટેસ્ટનું પરિણામ રોમાંચક હતું. જેના કારણે મને મારા અત્યંત ખુશીના અગાઉના અનુભવની યાદ તાજી થઇ.
અંદાજે 1962ની સાલમાં આજ ઓવલ મેદાનમાં હું સસેકસ અને સરે વચ્ચેનો સેકન્ડ કલાસ કાઉન્ટી મેચ રમતો હતો ત્યારે સરેનો એક ખેલાડી ઇંગ્લેન્ડનો તે વખતનો ટેસ્ટ ઓપનિંગ બેટસમેન હતો. આ બેટસમેન ત્યારે કાઉન્ટી ચેમ્પિયનશિપનો ઉચ્ચ સ્તર બેટિંગ એવરેજ ધરાવતો હતો. તેનો ત્યારે 256 રનનું એવરેજ ધરાવતો હતો. વધારામાં એક અજબની વાત તે હતી કે તે બેટસમેન આ મેચ પહેલાની છ ઇનિંગ્સમાં છ સેન્ચ્યુરી કરી ચૂકયો હતો. અને હવે આ સાતમા મેચમાં સાતમી સેન્ચ્યુરી કરવાની અપેક્ષા ધરાવતો હતો. તેણે સસેકસના રેગ્યુલર બોલરથી કોઇ તકલીફ દર્શાવવામાં આવેલ નહી અને જ્યારે તેનો સ્કોર 80થી વધુનો હતો ત્યારે કેપ્ટને મને બોલાવી અને કીધું કે હવે આ બેટસમેન પુરો સેટ થઇ ગયો છે. જેથી તેને આઉટ કરવો મુશ્કેલ છે. તો હું આપણા રેગ્યુલર બોલરને હવે વધારે થકવવા નથી માંગતો અને તેના બદલે તમે બોલિંગ કરો. મારા બહુજ સારા નશીબથી હું મારા ત્રીજા ઓવરનો પહેલા દડાથી તેને કલીન બોલ કરી શકયો, જે વખતે મારો કેપ્ટન એવા મીડઓન ફિલ્ડિંગ પોઝિશનથી દોડતા આવી અને મને બથીને કહ્યું કે તમારા આ કૃત્યથી મને ઓગડ શંકર માસ્તર યાદ આવી ગયા કે જેને મેં જામનગરમાં જામ રણજીતસિંહજીના વખતમાં જોયેલા હતાં.
આ મારો અદભૂત અનુભવ હજી વધારે સુંદર બન્યો જ્યારે અમે લંચ જમવા ડાઇનિંગ રૂમમાં ગયા અને હું સ્વાભાવિક રીતે સસેકસ ટીમના ટેબલ ઉપર મારી બેઠક લેવા ગયો ત્યારે જે બેટસમેનને મેં આઉટ કર્યો હતો તે મને અતિશય નમ્રતાથી સસેકસના ટેબલના બદલે સરેના ટેબલ ઉપર તેની બાજુમાં આવીને બેસવાનો આગ્રહ કર્યો. તેણે મને જે અતિશય નમ્રતાપૂર્વક સ્વભાવ સાથે જે પ્રેમથી ચર્ચા કરી તે હું મારી જિંદગીભર ભૂલી નહીં શકું અને આનંદથી યાદ કરતો રહીશ. ક્રિકેટ જે મહાન વ્યકિતઓની રમત (Gentlemen’s Sport) અમર રહે.


