ઓખા ફીસરીઝ બંદર તંત્ર અને માછીમારો વચ્ચે ચાલતી સમસ્યાઓનું દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની મઘ્યસ્થતાથી સમાધાન આવ્યું હતું.
ઓખાનું ડાલડા બંદર મત્સ્ય ઉદ્યોગ માટે મહત્વનું બંદર છે. અહીં સ્થાનિક અને બહારની 2500થી વધુ મોટો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ છે. આ સાથોસાથ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો લોકોની રોજીરોટી પણ ચાલે છે. આ વર્ષે માછીમારીની સિઝન ચાલુ થાય તે પહેલા દરેક બોટના લાઇસન્સ રીન્યુ કરવાના હોય ત્યારે ઓખા ફીસરીઝ વિભાગે વ્યવહારિક પાલન ન થાય તેવા કેટલાક નિયમોનું પાલન કરાવવાના આદેશથી માછીમારી સમાજમાં રોષ ફેલાયો અને માછીમારી પ્રતિનિધિ મંડળ સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેકને આ અંગે રજૂઆત કરી હતી. માછીમારોનાં આ પ્રશ્ન અને સ્થાનિક રોજગારીની ચિંતા કરીને ઓખા ફીશરીઝ વિભાગનાં અધિકારીઓ અને માછીમારી આગેવાનો વચ્ચે પબુભા માણેકે મધ્યસ્થતા કરીને બોટના લાઇસન્સ રીન્યુ કરવા અંગે વ્યવહારુ રસ્તા કાઢી બોટ માલિકો અને ફીસરીઝ વિભાગ વચ્ચે ની મળાગાઠનો સુખદ અંત લાવ્યા હતાં. તમામ માછીમાર આગેવાનોએ ધારાસભ્ય પબુભા માણેક નો આભાર વ્યક્ત કર્યો હતો.


