જામનગર મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા શ્રાવણ માસને અનુલક્ષીને શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 17 ફરાળી ખાદ્ય પદાર્થના નમુના લઇ પરીક્ષણ માટે મોકલાયા હતાં. તેમજ ત્રણ રેસ્ટોરન્ટમાં સફાઇ સહિતના મુદ્દે સુચનાઓ આપી અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ કેટલાક સ્થળોએ દંડ સહિતની કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદીની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન સત્યમ રોડ પર આવેલ જય ગોપાલ ડેરીમાંથી લીધેલ નમુનો મીકસ દુધ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં એફએસએસઆઇ 2006 મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગોકુલનગર વિસ્તારમાં આવેલ મહાકાલેશ્ર્વર ડેરીમાંથી લીધેલ દહિંનો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં તે અંગેનો કેસ આવતા મહાકાલેશ્ર્વર ડેરીની રૂા.20 હજાર પેનલ્ટી ભરાવાઇ હતી. રણજીતસાગર રોડ ઉપર કિશાન મસાલા સિઝન સ્ટોર્સમાંથી લીધેલ હળદર પાવડરનો નમુનો અનસેફ જાહેર થતાં તે અંગેના કેસનો ચુકાદો આવતા કિશાન મસાલા સિઝન સ્ટોર્સમાંથી રૂા.25 હજાર પેનલ્ટી લેવાઇ હતી. સુભાષ માર્કેટ વિસ્તારમાં આવેલ ભાનુશાળી મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સમાંથી લેવામાં આવેલ ધાણાજીરૂ પાવડરનો નમુનો અનસેફ જાહેર થતાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ઢીચડા રોડ ઉપર આવેલ રાધે-રાધે રેસ્ટોરન્ટમાં પણ ચેકીંગ હાથ ધરી સાફ સફાઇ અને સ્વચ્છતા બાબતે સુચના આપવામાં આવી હતી. તિરૂપતિ પાર્ક વિસ્તારમાં 02 રેસ્ટ્રો એન્ડ કાફેમાં 5 કિલો મન્ચુરીયન, 3 કિલો બાફેલા બટેકા, 1 કિલો પાંઉભાજી અનહાઇજેનીક જણાતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો. તથા આદિત્ય રેસ્ટોરન્ટમાં પણ સાફ સફાઇ સહિતના મુદે સુચના અપાઇ હતી.
તેમજ હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ફરારી ખાદ્ય સામગ્રીને લઇ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોકુલનગર મેઇન રોડ પર આવેલ ખેતેશ્ર્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી કેળાની વેફર, ફરાળી ચેવડો, જકાતનાકા પાસે સંતોષ સ્વીટ એન્ડ નમકીનમાંથી તીખો-મીઠો ફરાળી ચેવડો, ગણેશ સ્વીટ એન્ડ નમકીનમાંથી ફરાળી સ્વીટ ચેવડો, તીખો ફરાળી ચેવડો, લાલબંગલા પાસે ગોવર્ધન ચેવડાવાલામાંથી ફરાળી ભાખરવડી, ફરાળી કચોરી, ફરાળી ફુલવડી, જુના રેલ્વે સ્ટેશન પાસે જય ભવાની સ્વીટ એન્ડ નમકીનમાંથી ફરાળી વેફર, 33 દિગ્વીજય પ્લોટમાં સંતોષ સ્વીટ એન્ડ નમકીનમાંથી મીઠો ફરાળી ચેવડો, દિગ્વીજય પ્લોટ 50-51માં નેશનલ વેફર્સ એન્ડ નમકીનમાંથી ફરાળી સેવ, એસબીઆઇ બેંક પાસેથી અંબીકા ડેરી પ્રોડકર્સમાંથી રાજગરાનો ફરાળી ચેવડો, 34 દિગ્વીજય પ્લોટમાં કમલેશ ડેરી એન્ડ સ્વીટર્સમાંથી ફરાળી ચેવડો, 14-15 દિગ્વીજય પ્લોટમાં 24 સ્વીટ એન્ડ નમકીનમાંથી ફરાળી ચકકરી, 60 દિગ્વીજય પ્લોટમાં લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાર્ણ માર્ટમાંથી ફરાળી ચેવડો, ફરાળી ભાખરીના નમુના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતાં.


