ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ, ગાંધીનગર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના જાન્યુઆરી ૨૦૧૫થી કાર્યરત છે. કન્યા કેળવણીને જન આંદોલન બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ધ્યેય દીકરીઓના ઘટતા જન્મદરને અટકાવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવું, અને તેમને સુરક્ષા પૂરી પાડવાનો છે.
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સમાજમાં દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા માટે જામનગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત, મહિલા અને બાળ અધિકારી કચેરી, જામનગર દ્વારા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઝુંબેશના ભાગરૂપે, શાળાએ ન જતી કે અધવચ્ચે અભ્યાસ છોડી દેનાર દીકરીઓ અને તેમના વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી પુનઃપ્રવેશ માટે પરામર્શ કરવામાં આવે છે.
આવા જ એક સફળ પ્રયાસના ભાગરૂપે, મહિલા અને બાળ અધિકારી ડૉ. પૂજા ડોડીયાના માર્ગદર્શન હેઠળ જવાહરનગરની એક આંગણવાડીમાં પુનઃપ્રવેશ અભિયાન ચલાવવામાં આવ્યું. DHEW સ્ટાફના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર બંસીબેન ખોડિયાર અને D.E.O. લાવણ્યાબેન પરમાર દ્વારા દીકરીઓ અને તેમના વાલીઓ સાથે સઘન પરામર્શ કરવામાં આવ્યો. આ પ્રયાસના પરિણામે, ત્રણ દીકરીઓએ શાળામાં પુનઃપ્રવેશ માટે સહમતિ દર્શાવી.
આ દીકરીઓ પૈકી, ઉમા અને પવિત્રા મોદલિયાની માતા માધુરીબેન અને તેમની ત્રણ દીકરીઓને પિતા દ્વારા તરછોડવામાં આવ્યા હતા. માતા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે અને પિતાએ તેમને ક્યારેય અભ્યાસ કરવા દીધી ન હતી. DHEW સ્ટાફે તેમના જન્મના પ્રમાણપત્રોના આધારે તેમને નજીકની શાળા નં. ૪૦ માં પ્રવેશ અપાવ્યો.
બીજી દીકરી, ઉમેરા બંદરી ના માતા-પિતા, નસીમ અને સલીમ, દીકરી હોવાના કારણે તેને ભણાવવા માંગતા ન હતા. પરંતુ, ડૉ. પૂજા ડોડીયાના સતત માર્ગદર્શન અને DHEW સ્ટાફની વારંવારની મુલાકાત અને સમજાવટ બાદ, વાલીઓએ દીકરીના અભ્યાસનું મહત્વ સમજ્યું અને ઉમેરાને શાળા નં. 29 માં પ્રવેશ અપાવ્યો.
આ સફળતા પાછળ મહિલા અને બાળ અધિકારીના સૂચનો, DHEW યોજનાના સ્ટાફ, જવાહરનગરના આંગણવાડી કાર્યકર બહેન, શાળા નં. 29 અને 40ના પ્રિન્સિપાલ, CRC અને BRCની મદદ સહિત અનેક પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે, જેના થકી આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે.
આ દીકરીઓને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પુનઃપ્રવેશ કરાવ્યો હતો. સાથે જ નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓને કલેક્ટરે સ્વ ખર્ચે યુનિફોર્મ, પુસ્તક, સ્કૂલબેગ સહિતનો ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરી હતી. તેમજ ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મીઓને જિલ્લાની વધુમાં વધુ જરૂરિયાતમંદ મહિલાઓને સખી મંડળના લાભો, સરકારી સહાય તેમજ યોજનાકીય લાભો મળી રહે તે માટે સૂચન કર્યું હતું.અને તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ આ માટેના ખાસ કેમ્પનું આયોજન કરી વધુમાં વધુ લાભો મળતા થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


