દેશના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વધુ સુદ્રઢ બની રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ દરીયાઈ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને દરીયાઈ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી, ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઈસમોને શોધી કાઢી તેઓની વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવા અંગે આપવામાં આવેલી જરૂરી સુચનાઓના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ તેમજ મરીન પોલીસ વિભાગ દ્વારા વિવિધ દિશાઓમાં સધન રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોટ માલીક દ્વારા ખાનગી ફિશીંગ ક્ધસલ્ટન્સીનુ કામ કરતા અલગ અલગ એજન્ટોને કમીશન પેટે રકમ આપી, એજન્ટો દ્વારા બોટ માલીકના બનાવટી અને ખોટા દસ્તાવેજો ઉભા કરી, રીયલ ક્રાફટ સોફટવેરમાં એપ્લીકેશન ફોર્મ ભરી, તમામ બનાવટી બીલો તથા ખોટા સોગંદનામાઓ પી.ડી.એફ. ફાઇલ સ્વરૂપે સાચી દર્શાવી અપલોડ કરી બનાવટી બોટ રજીસ્ટ્રેશન અને લાઇસન્સ મેળવવા કરવામાં આવેલું કૌભાંડ તાજેતરમાં પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડમાં ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ કુલ 145 બોટ સંચાલક વિરુધ્ધમાં ગુનો નોધવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ત્રણ એજન્ટ, જામનગરના બે એજન્ટ અને ભાવનગર ખાતેથી બનાવટી પેઢીનું સંચાલન કરી બનાવટી એન્જીન તથા બોટના બીલ આપનાર બે પેઢીના સંચાલકો તેમજ બોટ માલીક સહીત કુલ 131 આરોપીઓની ધોરણસર અટકાયત કરી લેવામાં આવી છે. આ ગુન્હામાં ઊંડાણપૂર્વક વધુ તપાસ કરતા વધુ 56 બોટના બોગસ રજીસ્ટ્રેશન થયેલ હોવાનું ખુલવા પામ્યું છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 201 માછીમારી બોટના રજીસ્ટ્રેશન પ્રક્રીયામાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી, કૌભાંડ આચરેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામતા આ પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા આગળની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મનાતા ભાવનગર ખાતેથી બનાવટી પેઢીના આરોપી સંચાલકો એવા જી.એમ.બી. ઓફિસ સુપ્રિન્ટેન્ટ તરીકેના નિવૃત કર્મચારી તરુણ સવાઈલાલ શાંતિલાલ રાજપુરા (ઉ.વ. 68, રહે. વાઘાવાડી રોડ, ભાવનગર) અને અજય પ્રવિણભાઈ બાલાભાઈ ચુડાસમા (ઉ.વ. 27, રહે. પાવઠી ગામ, તા. તળાજા, જી.ભાવનગર) ને અટકાયત કરવામાં આવી હતી. આ સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા ખાતેના આરોપી બોટ એજન્ટો શાફીન સબિરભાઈ મોહમદભાઈ ભટ્ટી, (ઉ.વ. 24, રહે.ઓખા) સુનિલ મનસુખભાઈ ભગવાનદાસ નિમાવત (ઉ.વ. 42, ધંધો.ઝેરોક્ષ તથા ફિશીંગ ક્ધસ્લટન્સી, રહે.ઓખા), હૈદરઅલી બસીરભાઈ શેખ, (ઉ.વ. 29, ધંધો.ફિશરીઝ ગાર્ડ, રહે.સલાયા), અસગરઅલી હુશેનભાઈ ગંઢાર (ઉ.વ. 42, રહે.પંચવટી કોલોની, સિક્કા) અને ઈશાકભાઈ ઇબ્રાહીમભાઈ હુંદડા (ઉ.વ. 68, રહે. સિક્કા, તા. જામનગર) સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હમીદ હુશેનભાઈ અલાયા સુંભણીયા, (ઉ.વ. 41, રહે.ઓખા), આસિફ રજાકભાઈ સુંભણીયા (ઉ.વ. 23, રહે. ઓખા), રજાક હુશેનભાઈ સુંભણીયા (ઉ.વ. 44 રહે.ઓખા), રજાક હુશેનભાઈ સંઘાર (ઉ.વ. 34, રહે.આરંભડા) વિગેરે કુલ 124 બોટ માલિકોની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.


