જામનગરના 486માં સ્થાપના દિન નિમિતે આજરોજ જામનગરના મેયર, ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ તળાવની પાળ તથા લાલબંગલા સર્કલ નજીકની પ્રતિમાઓને ફુલહાર વિધી પણ કરવામાં આવી હતી. તેમજ આજે રાત્રે ટાઉનહોલ ખાતે ‘નગર અમારૂ ભારે ગમતીલુ ગામ છે’ નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
486 વર્ષ પૂર્વે જામ રાવલજી દ્વારા શ્રાવણ સુદ-સાતમના દિવસે જે તે સમયના નવાનગર અને હાલના જામનગરની સ્થાપના કરવામાં આવી હતી. જે માટે જુદી જુદી જગ્યાએ થાભલીઓ રોપવામાં આવી હતી. જેનું પૂજન દર વર્ષે જામનગરના સ્થાપના દિને કરવામાં આવે છે જે પ્રથા આજે પણ ચાલી રહી છે. આજરોજ જામનગરના 486માં સ્થાપના દિન નિમિતે જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના દરબારગઢ નજીક ખાંભી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના પ્રથમ નાગરીક એવા મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકા સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરો અરવિંદભાઇ સભાયા, સુભાષભાઇ જોષી, ડિમ્પલબેન રાવલ, કુસુંમબેન પંડયા, જયેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને ખાંભી પૂજન કર્યુ હતું.
ખાંભી પૂજન કર્યા બાદ મહાનુભાવો દ્વારા જામનગરની શાન સમા લાખોટા તળાવ તથા લાલબંગલા સર્કલ પાસે આવેલ પ્રતિમાઓને ફુલહાર કર્યા હતાં. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ જામનગરના સ્થાપના દિન નિમિતે જામનગરના ટાઉનહોલ ખાતે રાત્રે સાડા નવ વાગ્યે ‘નગર અમારૂ ભારે ગમતીલુ ગામ છે’ નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


