જામનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપર તથા એલ્યુમિનિયમના વાયરની ચોરી આચરનાર તસ્કર બેલડીને ઝડપી લઇ એલસીબીની ટીમએ 12 ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. પોલીસે રૂા. 7,90,300નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરીના આ બનાવની વિગત મુજબ જામનગર સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં અવારનવાર ધોળે દિવસે ચોરીની ઘટનાઓ બનતી રહેતી હોય છે. જામનગરના જિલ્લામાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરીમાં સંડોવાયેલી તસ્કર બેલડી અંગેની દિલીપ તલાવડિયા, કાસમભાઇ બલોચ, યુવરાજસિંહ ઝાલા, ઋષિરાજસિંહ વાળાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી લાલપુર તાલુકાના ગોવાણા ગામ નજીકથી જીજે04-ઇએ-2625 નંબરની અર્ટીગા કારને આંતરી લીધી હતી.
એલસીબીની ટીમએ કારની તલાશી લેતાં કારમાંથી મહેશ ઉર્ફે લાલો મથુરભાઇ મકવાણા અને કલ્પેશ ઉર્ફે કપુ હિમતભાઇ ડાભી નામના બે શખ્સો પાસેથી રૂા. 75 હજારની કિંમતના 2400 મીટર કોપર કેબલ, રૂા. 5 હજારની કિંમતના સોલાર પેનલના ડીસી કનેક્ટર 80 નંગ, રૂા. 7 લાખની કિંમતની અર્ટીગા કાર, રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન અને વાયર કાપવાનું કટર મશીન મળી કુલ રૂા. 7,90,300ના મુદામાલ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં આ બેલડી સાથે ગોપાલ નરશી વાઘેલા, અજય પ્રવીણ ડાભી, અલ્પેશ દિનેશ કોળી, ભરત ડૂંગર વાઘેલા, લાલજી કલ્યાણ ચૌહાણ નામના પાંચ શખ્સો પણ ચોરીમાં સંડોવાયેલા હોવાની કેફિયત આપી હતી.
એલસીબીની ટીમએ પૂછપરછ હાથ ધરતાં આ તસ્કર બેલડીએ લાલપુર, કાલાવડ (ગ્રામ્ય), અમદાવાદ (ગ્રામ્ય)ના ધંધુકા, અમરેલીના લાઠી તાલુકાના ઢસા ગામમાં, બાબરા તાલુકાના હમીરપર ગામમાં, ઉપલેટાના પ્રાસલા ગામમાં, વીસાવદર તાલુકાના રાવણી, વેકરિયા, મુંડા, માંડાવડ ગામમાં અને ભચાઉના કબરાઉ ગામમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરી આચરી હોવાની કેફિયત આપી હતી.


