Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકા મંદિરના સુરક્ષા ગાર્ડને બે યાત્રિકોએ લમધાર્યો

દ્વારકા મંદિરના સુરક્ષા ગાર્ડને બે યાત્રિકોએ લમધાર્યો

મંદિરના સુરક્ષાગાર્ડની સુરક્ષા ભગવાન ભરોસે? : ગાર્ડને દ્વારકા અને ત્યારબાદ ખંભાળિયાની હોસ્પિટલે ખસેડાયો : સુરક્ષાકર્મીઓમાં ઉગ્ર રોષ

દેવભૂમિ દ્વારકામાં પ્રસિઘ્ધ દ્વારકાધીશના મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. આ હજારો ભક્તિોની સુરક્ષા-વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા ગાર્ડ પોતાની ફરજ બજાવતાં હોય છે. દરમ્યાન હાલમાં જ એક સુરક્ષા ગાર્ડને બે યાત્રિકોએ ગેરકાયદેસર પ્રવેશ કરવાના મામલે ઢોરમાર માર્યાના બનાવમાં સુરક્ષાકર્મીઓમાં રોષ ફેલાઇ ગયો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિઘ્ધ દ્વારકાધીશના મંદિરમાં દરરોજ આવતાં હજારો યાત્રિકોને દર્શન કરવા માટે કડક અને વ્યવસ્થિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસ જવાનો અને સુરક્ષા ગાર્ડ ખડેપગે ફરજ બજાવતા હોય છે. દરમ્યાન હાલમાં જ દ્વારકાધીશના મંદિરમાં બહાર જવાના ગેટ પર ખાનગી સુરક્ષા ગાર્ડ ખુમાનસિંહ દેવાણંદભા માણેક પોતાની ફરજ ઉપર હતા. ત્યારે બે અજાણ્યા શખ્સો પોલીસ હોવાનું કહી મંદિરના જવાના રસ્તેથી અંદર ગેરકાયદે પ્રવેશ કરવાના ઇરાદે ગાર્ડને કોઇ સાથે મોબાઇલમાં વાત કરવાનું જણાવતાં ગાર્ડએ, ‘મોબાઇલ ફોનમાં વાત કરવાની મનાઇ છે.’ તેમ જણાવતાં બન્ને શખ્સોએ ખુમાનસિંહ નામના ગાર્ડ ઉપર હુમલો કરી ઢોરમાર માર્યો હતો. બન્ને શખ્સો ગેરકાયદેસર રીતે મંદિરમાં મોબાઇલ લઇને ઘૂસી ગયા હતા. ત્યારબાદ ઘવાયેલા સુરક્ષા ગાર્ડ ખુમાનસિંહને 108 એમ્બ્યુલન્સમાં દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતાં.

આ ઘટનામાં અમુક બાબતો ઉપર પ્રકાશ પાડવો જરુરી છે. જેમ કે આટલો મોટો બનાવ બન્યો અને રકઝક ને મારફાડ થઈ અને ત્યારબાદ ઘાયલ થયેલ ગાડેને હોસ્પિટલમાં ખસેડાયાં ત્યાં સુધી મંદિરની સુરક્ષા માટે તૈનાત પોલીસ ક્યાંય ફરકેલ નથી ! આટલું થવા છતાં મંદિર પ્રશાસન, દેવસ્થાન સમિતિ કે અન્ય જવાબદાર તંત્ર તરફથી કોઈ સ્ટેટમેન્ટ કે કાર્યવાહી બહાર આવેલ નથી! જે રીતે ગાર્ડને ઢોર માર મારી બેહોશ કરીને બહારથી આવેલાં બન્ને શખ્સો ગેરકાયદેસર રીતે મોબાઈલ સહિત મંદિરમાં ઘુસી ગયાં અને સુરિક્ષત રીતે બહાર પણ નીકળી ગયાં ત્યાં સુધી જગત મંદિરની ઝેડ સુરક્ષા સિસ્ટમ ને ખબર જ ન પડી ! જો આવી રીતે કોઈ આતંકવાદીઓ પોતાની મેલી મુરાદ પાર પાડવા મંદિર માં ઘુસવાની કોશિષ કરે તો આ સુરક્ષા સિસ્ટમ શું કામ આવે? આ બનાવમાં બહારથી આવેલા બન્ને શખ્સો કોણ છે ? તેઓ જો પોલીસ કે સરકારી કર્મચારી હોય તો કાયદો કેમ હાથમાં લીધો ? એ પ્રશ્ર્નનો જવાબ જ્યારે પોલીસની કાયેવાહી થશે ત્યારે જણાશે. હાલ આ ઘટના થી સમગ્ર પંથકમાં મંદિર સુરક્ષા ને લઈ અનેક ચર્ચાઓ થવા લાગી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular