જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા જુદા જુદા ત્રણ મકાનોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીના સ્થળે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રેઇડ દરમ્યાન એક શખ્સને ઝડપી લઇ રૂા. 41 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં હનુમાન ચોકમાં રહેતાં અશોક શરદ શિંગાળાના મકાનમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. પી. ઝા અને પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા, એએસઆઇ રાજેશભાઇ વેગડ, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન અશોક શિંગાળાના મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી બનાવવાના રૂા. 2520ની કિંમતના સાધનો, રૂા. 400ની કિંમતનો બે લીટર દેશી દારૂ, રૂા. 20 હજારની કિંમતનો દેશી દારૂ બનાવવાનો 800 લીટર આથો મળી કુલ રૂા. 22,920ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
બીજો દરોડો અશોકના ભાઇ દિનેશ શરદ શિંગાળાના મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 2120ની કિંમતના દેશી દારૂ બનાવવાના સાધનો અને રૂા. એક હજારની કિંમતનો પાંચ લીટર દેશી દારૂ, રૂા. 10 હજારની કિંમતનો 400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂા. 13,120નો મુદામાલ કબ્જે કરી દિનેશની શોધખોળ આરંભી હતી. તેમજ રોહિત વિશાલ શિંગાળાના મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 2020ની કિંમતના દારૂ બનાવવાના સાધનો, રૂા. બે હજારની કિંમતનો 10 લીટર દેશી દારૂ, રૂા. એક હજારની કિંમતનો 40 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂા. 5020નો મુદામાલ કબ્જે કરી રોહિતની શોધખોળ આરંભી હતી.
આમ, પોલીસે ત્રણ ઘરોમાં રેઇડ દરમ્યાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપી લઇ કુલ રૂા. 6660ની કિંમતના દારૂની ભઠ્ઠીના સાધનો, રૂા. 3400ની કિંમતનો દેશી દારૂ 17 લીટર તેમજ રૂા. 31 હજારની કિંમતનો દેશી દારૂ બનાવવાનો આથો 1240 લીટર મળી કુલ રૂા. 40,060નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ત્રણ દરોડામાં અશોક શિંગાળાની અટકાયત કરી અન્ય બે શખ્સોની શોધખોળ આરંભી હતી. નાશી ગયેલા શરદ શિંગાળા વિરૂઘ્ધ 15 ગુનાઓ અને રોહિત શિંગાળા વિરૂઘ્ધ આઠ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે.


