જામનગર જિલ્લાના જોગવડ ગામની સીમમાં આવેલી લેબર કોલોની વિસ્તારમાં મોબાઇલ ફોનમાં દૂર જઇને વાતો કરવાનું કહેતાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર લાકડી અને ગેસની નળી વડે આડેધડ હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનું મોત નિપજયા બનાવ હત્યામાં પલટાયો હતો.
હત્યાના બનાવની વિગત મુજબ ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના ફતેગઢ તાલુકાના ભાવપુર ખુર્દ ગામના વતની અને હાલ જામનગર જિલ્લાના જોગવડ ગામની સીમમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા અને મજૂરીકામ કરતાં દિલીપકુમાર મંગલસિંહ શ્રીવાસ્તવ (ઉ.વ.આ.38) નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે તેની ઓરડીની બાજુમાં રહેતાં તેના જ ગામના મોહન ઠાકુરની સાથે જોર જોરથી વાતો કરતો હતો. ત્યારે ત્યાંથી પસાર થતાં આકાશકુમાર દીપકસિંહ અને અવનિશ સુરેન્દ્રસિંહ નામના બે યુવાનો પૈકીનો આકાશકુમાર તેના મોબાઇલ ફોનમાં કોઇ સાથે વાત વાતો કરતો હતો. તે સમયે જોર જોરથી વાતો કરતાં દિલીપકુમારને જોરથી નહીં બોલવાનું કહ્યું હતું. જેથી દિલીપકુમારે આકાશકુમારને દૂર જઇને ફોનમાં વાત કરવાનું કહેતાં ઉશ્કેરાયેલા આકાશકુમાર અને અવનિશએ દિલીપકુમાર ઉપર લાકડી અને ગેસની નળીઓ વડે હુમલો કરી આડેધડ માર માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ ઘવાયેલા દિલીપકુમારને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
હુમલા બાદ હત્યામાં પલ્ટાયેલા બનાવની જાણ થતાં પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલે અને સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના નાનાભાઇ રાજીવકુમારના નિવેદનના આધારે બે શખ્સો વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


