ધ્રોલમાં સોયલ ટોલનાકા પાસેથી પસાર થતી ગાડીની આગળ અવરોધ કરી ત્રણ શખ્સોએ યુવાનને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી રૂા. 35 હજારની રોકડ પડાવી લઇ ગાડીમાં થયેલ નુકશાનના રૂા. 40 હજાર ટ્રાન્સફર કરાવી લીધાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સાયકનછોરાયાનો વતની રાહુલરંજન ચંદ્રવંશી વિજયકુમાર રાજપૂત (ઉ.વ.31) નામનો યુવાન ગત્ તા. 13ના રોજ બપોરના સમયે તેની કારમાં ધ્રોલમાં સોયલ ટોલનાકા નજીકથી પસાર થતો હતો ત્યારે જયપાલસિંહ રણજિતસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ અને વસીમ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી રાહુલની ગાડી આગળ ગેરકાયદેસર અવરોધ કરી તેની ગાડીમાં બેસી ગયા હતા. ત્યારબાદ ત્રણેય શખ્સોએ બળજબરીપૂર્વક રાહુલ પાસેથી રૂા. 35 હજારની રોકડ પડાવી લીધી હતી. રાહુલને તેની ગાડી છોડી દેવાનું કહી ગાડીમાં થયેલ નુકશાનના રૂા. 40 હજાર પ્રાઇવેટ સ્કેનર ઉપર ટ્રાન્સફર કરાવી દીધુ હતું. ગાડી સીઝ કરી દીધી હતી. ત્યારબાદ રાહુલએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


