જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડાના પાટિયા પાસે આવેલી હોટલ નજીક પીજીવીસીએલની ટીમ દ્વારા તાર બદલાવવાની કામગીરી દરમ્યાન યુવાનએ કામ પૂર્ણ થઇ જતાં ભૂલથી બંધ વીજલાઇન ચાલુ કરવા માટે ચાલુ પાવરવાળી વીજલાઇનમાં ચઢી જતાં વીજશોક લાગતાં મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા તાલુકાના અમરપુર ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના અલિયાબાડા ગામના પાટિયા પાસેના વિસ્તારમાં રહેતો લાલચંદભાઇ રાધેશ્યામભાઇ ભીલ (ઉ.વ.30) નામનો શ્રમિક યુવાન અન્ય શ્રમિકો સાથે પીજીવીસીએલની વીજલાઇનમાં તાર બદલવાની કામગીરી કરતા હતા અને ગઇકાલે સાંજના સમયે જાંબુડા ગામના પાટિયા નજીક આ કામગીરી દરમ્યાન સાંજના સમયે યુવાન કામગીરી પૂર્ણ થતાં બંધ વીજલાઇન ચાલુ કરવા માટે ભૂલથી ચાલુ પાવરવાળી વીજલાઇનમાં ચઢી જતાં વીજશોક લાગતાં લાલચંદભાઇ જમીન પર પટકાયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જાંબુડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની હેમરાજભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. સી. આર. ઘાઘરેટિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.


