જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં ભાડે રહેવા આવેલા યુવતી સહિતના ત્રણ શખ્સોએ દરજી વેપારીના મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયાના બનાવમાં સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આ ઘરફોડ ચોરીમાં ત્રણ શખ્સોને ઝડપી લઇ ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરીના આ બનાવની વિગત મુજબ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં દરજીકામ કરતાં રાહુલભાઇ વસંતભાઇ પીઠડિયા નામના વેપારીએ હિમાંશુ જયંતી સોલંકી, કાજલ અને મિત્ર અશોક ભાડે મકાનમાં રહેવા આવ્યાં હતાં. આ ત્રણેય શખ્સોએ રહેવા આવ્યા પછીના 30 કલાકમાં જ વેપારીના ઘરમાંથી કબાટના લોક તોડી રૂા. 35 હજારની રોકડ રકમ અને ચાંદીનો જુડો (35 ગ્રામ), ચાંદીના 3 જોડ સાંકરા (90 ગ્રામ), ચાંદીના 140 ગ્રામના એક જોડી સાકરા, 80 ગ્રામ વજનનો ચાંદીનો પોચો, 80 ગ્રામ વજનનો ચાંદીનો સેટ, સોનાના 6 ગ્રામ વજનના 6 નંગ પાટલા, 23.72 ગ્રામ વજનની સોનાની વિંટી, 3.750 ગ્રામ વજનની સોનાની વિંટી, 1.25 ગ્રામ વજનનું સોનાનું પેન્ડલ, 2 ગ્રામ વજનના સોનાના 5 નંગ દાણા, 1 ગ્રામ વજનની સોનાની નથણી, 3.5 ગ્રામ વજનની સોનાની એક જોડી બુટી, 7 ગ્રામ વજનનો સોનાનો ચેઇન, 3.25 ગ્રામ વજનની સોનાની કડી, 2.25 ગ્રામ વજનની 1 જોડી કડી તથા સોનાનું પેન્ડલ મળી કુલ રૂા. 60,700ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા. 35 હજારની રોકડ રકમ મળી કુલ રૂા. 95,700ની માલમત્તા ચોરી કરી ગયા હતા. વેપારીએ 3 શકદારો વિરૂઘ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ વી. બી. બરસબિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
પોલીસે તપાસ હાથ ધરતાં દરજી વેપારીના પત્ની, દરજી વેપારી પાસે હિમાંશુ સોલંકી નામના વ્યકિતએ જાડેજા સરનેમવાળુ ખોટું આધારકાર્ડ દેખાડી સિકયોરિટી વિભાગમાં નોકરીના બ્હાના હેઠળ મકાન ભાડે રાખ્યું હતું. વેપારીએ અચાનક ભાડે રહેવા આવેલા 3 વ્યકિતઓ માટે રૂમમાં રહેલો કબાટ બે-ત્રણ દિવસમાં ખસેડી લેવાનું જણાવ્યું હતું. જેનો ગેરલાભ ઉઠાવી હિમાંશુ સોલંકી સહિતના ત્રણ શખ્સોએ ચોરી આચરી હતી. ત્યારબાદ રાહુલભાઇના પત્નીનું કોરોનાકાળમાં અવસાન થયું હોય જેથી હિમાંશુએ, “તે અમને રૂમમાં સફેદ કપડું ઢાંકીને સૂતેલા દેખાય છે.” તેમ કહી મકાન છોડી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પોલીસે હિમાંશુ સોલંકી નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી અન્ય બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.


