કાશ્મીરના બાંદીપુરામાં આવેલું વુલર તળાવ ફરી જીવંત થયું છે. તે તેની કુદરતી સુંદરતા અને જૈવ વિવિધતા માટે જાણીતું છે. વુલર એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે. જેમાં 30 વર્ષ પછી ગુલાબી કમળના ફુલો ખીલ્યા છે. આનાથી ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઇ છે.

શ્રીનગરથી લગભગ 67 કિ.મી. દૂર સ્થિત અને ધુમ્મસવાળા હરમુખ પર્વતોથી ઘેરાયેલુ વુલર તળાવ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આવેલું છે. અને તે તેની કુદરતી સુંદરતા અને જૈવવિવિધતા માટે જાણીતું છે. જ્યાં વિનાશક પુર પછી એક પણ ફુલ ખીલ્યુ ન હતું. સપ્ટેમ્બર 1992 માં કાશ્મીરમાં વિનાશક પુર આવ્યું હતું. જેના કારણે વુલર તળાવના સમૃધ્ધ ઈકો સિસ્ટમને ભારે નુકસાન થયું હતું. મોટા પ્રમાણમાં કાંપ જમા થયો હતો. જેનાથી કમળના છોડ દબાઇ ગયા હતાં. અને પાણીના પ્રવાહને અસર થઈ હતી. જેથી સ્થાનિક લોકોની આ જીવિકાને નુકસાન થયું હતું. નિષ્ણાંતો માને છે કે, પાણીના પ્રદુષણ ગેરકાદયેસર માછીમારી અને તળાવના પાણીના સ્તરમાં ફેરફાર જેવા પર્યાવરણીય દબાવને કારણે કમળના ફુલોની કુદરતી વલણ પર અસર પડી હતી.

જો કે, સરકાર તળાવની સફાઈ પ્રદૂષણ નિયંત્રણ અને પાણીના સ્તરને જાળવવા પર ખાસ ધ્યાન આપી રહી છે. ત્યારે ફરી એકવાર કમળના ફુલો ઉગી નિકળ્યા છે. આ માત્ર તળાવની જૈવિક સ્થિતિમાં સુધારાની નિશાની નથી. પરંતુ, સ્થાનિક ઈકો સિસ્ટમના પુનરુત્થાનનો પણ પુરાવો છે. ત્યારે લગભગ 30 વર્ષ પછી કાશ્મીર ખીણના સુંદર તળાવમાં ગુલાબી કમળના ફુલો ખીલ્યા છે. જેથી સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર ઉઠી છે.


