જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડેલ તેમજ ચોરી થયેલો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ચોરીના કેસમાં ત્રણ પૈકી બે આરોપીને મુદ્દામાલ સાથે એલસીબીએ પકડી પાડયા હતાં.
View this post on Instagram
જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર-3 માં હિનાબેન દિપકભાઈ ભટ્ટના મકાનમાં 17 જુનથી 5 જુલાઈ દરમિયાન બંધ મકાનનું તાળુ તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ કુલ મળીને રૂા.2,55,000 ના મુદ્દામાલની ચોરી થયાની સીટી બી પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં જામનગર એલસીબીએ મહેન્દ્રસિંહ ઉધમસિંહ સરદારજી અને બલરામસિંગ ચંદાસિંગ સરદારજી બન્નેને બેડેશ્વર ઓવરબ્રિજ ફાટક પાસે મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. એલસીબીના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા અરજણભાઈ કોડીયાતર, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, મયુદીનભાઈ સૈયદ સહિતના સ્ટાફે બાતમીના આધારે આરોપીની અટકાયત કરી સિટી બી પોલીસને સોંપી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાએ હાથ ધરી હતી.
પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના 16 ગ્રામ, ચાંદીના દાગીના 600 ગ્રામ, રોકડ 20000, એક મોટરસાઈકલ, બે મોબાઇલફોન સહિત કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપી હિરાસિંગ લક્ષ્મણસિંગ પટવાની શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ ચીખલીગર ગેંગના સભ્યો છે જે દિવસ દરમિયાન ભુંડ પકડવાનું કામના બહાને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં બંધ મકાનોની રેંકી કરી રાત્રિ દરમિયાન મકાનમાં ચોરીને અંજામ આપતા હતા.


