Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં પ્રૌઢાના ઘરમાં થયેલી ચોરીમાં ચાર તસ્કરો રિમાન્ડ પર

ખંભાળિયામાં પ્રૌઢાના ઘરમાં થયેલી ચોરીમાં ચાર તસ્કરો રિમાન્ડ પર

પાડોશી મકાન માલિક મહિલાને દર્શન કરવા લઈ જઈને ઘરમાં કર્યો હતો હાથફેરો : એક મહિલાને જેલહવાલે કરાઈ

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢાના ઘરમાં ખાતર પાડી અને સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત રૂ. 6.24 લાખના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, બે મહિલાઓ સહિત પાંચ આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં પોલીસે ચાર આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે એક મહિલાને જેલ હવાલે કરવાનો હુકમ થયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ અહીંના શક્તિનગર વિસ્તારમાં એકલા રહેતા અને છૂટક મજૂરીકામ કરીને ગુજરાત ચલાવતા મંજુબેન જેઠાભાઈ ગોવાભાઈ રાઠોડ નામના 50 વર્ષના પ્રૌઢા ગત રવિવાર તા. 6 ના રોજ સવારના સમયે તેમના પાડોશમાં રહેતા કાજલબા કેશુભા જાડેજા તથા હેતલબેન હરેશ ચાવડા વિગેરે સાથે રિક્ષામાં બેસીને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત પહોંચતા તેમના ઘરના તાળા તૂટ્યા હોવાનું તેમજ ઘરમાંથી સોના તથા ચાંદીના વિવિધ દાગીનો ઉપરાંત રૂપિયા 16 હજારની રોકડ મળી, કુલ રૂ. 6.24 લાખની રકમની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું.

આ પ્રકરણમાં તસ્કરોને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભીને ટૂંકા સમયગાળામાં મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. જેમાં શીરૂ તળાવ વિસ્તારમાં રહેતા કાજલબા કેશુભા બાલુભા જાડેજા (ઉ.વ. 45), મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના અને હાલ ચોટીલા ખાતે રહેતા હેતલબેન હરેશ વાલજીભાઈ ચાવડા (ઉ.વ. 39), શક્તિનગરના રહીશ આકાશસિંહ કેશુભા બાલુભા જાડેજા (ઉ.વ. 24), શક્તિનગર – શીરૂવાડી વિસ્તારમાં રહેતા પ્રવીણદાસ ઉર્ફે પકલ નાનકદાસ શ્રીમાળી (ઉ.વ. 30) અને શક્તિનગરના પાણાખાણ વિસ્તારના રહીશ રમેશ રામસંગ મકવાણા (ઉ.વ. 29) નામના પાંચ આરોપીઓને ઝડપી લઇ ચોરીના વિવિધ પ્રકારના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત તમામ રૂપિયા 6.24 લાખનો મુદ્દામાલ કબજે કરી, તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

- Advertisement -

પોલીસ તપાસ દરમિયાન મકાન માલિક એવા ફરિયાદી મહિલા મંજુબેન રાઠોડને આરોપી મહિલાઓ કાજલબા જાડેજા તથા હેતલબેન ચાવડાએ પોતાની સાથે દર્શનાર્થે લઈ જઈ અને અન્ય આરોપીઓએ પાછળથી ઘરમાં હાથફેરો કર્યો હોવાનું જાણવા મળેલ છે. આ પ્રકરણના કેટલાક આરોપી શખ્સો અગાઉ પણ ચોરીના બનાવમાં સંડોવાયેલા હોવાનું પણ જાણવા મળેલ છે.

ઝડપાયેલા આરોપીઓને પોલીસે અહીંની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીઓના હેતલબેન ચાવડા સિવાયના ચાર આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે હેતલબેનને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ બી.જે. સરવૈયા, ઇન્ચાર્જ પી આઈ. સી.એલ. દેસાઈ, પી.એસ.આઈ. યુ.કે. જાદવ, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, કિશોરભાઈ નંદાણીયા, રાઇટર દીપકભાઈ રાવલિયા, પ્રવીણભાઈ ગોજીયા, ભરતભાઈ જમોડ, દિવ્યરાજસિંહ જાડેજા, સામતભાઈ ગઢવી, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને અરજણભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular