જામનગર શહેર અને જિલ્લામાં આવેલી બેન્કોના એટીએમમાં પૈસા ભરતી કંપનીના બે કર્મચારીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી છેલ્લાં આઠ મહિનાના સમય દરમ્યાન રૂપિયા ભરતી વખતે 6 એટીએમમાંથી કુલ રૂા. 31,36,000ની ઉચાપાત કર્યાની કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી બેન્કોના એટીએમ મશીનમાં પૈસા ભરવાની કંપનીના કર્મચારી ભાવિનભાઇ ભરતભાઇ જોષી (રહે. રાજકોટ) દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ તેની કંપનીમાં નોકરી કરતાં પ્રકાશ નાથા મેરિયા (રહે. શંકરટેકરી, જામનગર) અને કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતાં કશ્યપ ભરત અંકલેશ્ર્વરિયા (રહે. હીરાપાર્ક, ખોડિયાર કોલોની, જામનગર) નામના બે શખ્સો દ્વારા કંપની દ્વારા જુદી જુદી બેન્કોના એટીએમમાં પૈસા ભરવાના કામ સમયે આ બન્નેએ પૂર્વઆયોજિત કાવતરું રચી લીમડા લાઇનમાં આવેલા એસબીઆઇ, દરેડ ખાતેની આઇસીઆઇસીઆઇ બેન્ક, ધ્રોલ ખાતે સેન્ટ્રલ બેન્ક સહિતની જુદી જુદી બેન્કોના 6 એટીએમ મશીનમાં રૂપિયા ભરતા સમયે આ એટીએમોમાંથી કુલ રૂા. 31,36,000ની ઉચાપાત કરી હતી.
બન્ને કર્મચારીઓ દ્વારા આઠ મહિનાના સમય દરમ્યાન લાખ્ખોની ઉચાપાત કર્યાનું ઘ્યાને આવતાં કંપનીના અધિકારી દ્વારા આ બન્ને શખ્સો વિરૂઘ્ધ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂા. 31.36 લાખની ઉચાપાત કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ બન્ને શખ્સો વિરૂઘ્ધ ઉચાપાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


