જામનગર શહેરના ખંભાળિયા ગેઇટ પાસેના એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીના મોટાભાઇ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી એક શખ્સે યુવતી સાથે ગાળાગાળી કરી ટીશર્ટ તોડી નાખી ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખંભાળિયા ગેઇટ પાસે ન્યુ સ્કૂલ પાસે આવેલા શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી સોનલબેન ચંદુલાલ પરમાર (ઉ.વ.30) નામની યુવતીના મોટાભાઇને મયૂર ચાંદ્રા સાથે અગાઉ ઝઘડો થયો હતો. તે ઝઘડાનો ખાર રાખી મયૂર ચાંદ્રા નામનો શખ્સ રવિવારે મધ્યરાત્રિના સમયે યુવતીના ઘરે આવી તેને પાર્કિંગમાં બોલાવી ત્યાં જેમ ફાવે તેમ ગાળાગાળી કરી ઝપાઝપી કરી બળજબરીપૂર્વક યુવતીનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું. ત્યારબાદ લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. યુવતી ઉપર થયેલા હુમલામાં વચ્ચે પડેલા વ્યક્તિને પણ ઢીકાપાટુનો માર મારી તમે બહાર નીકળશો તો પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સોનલબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. કે. બ્લોચ તથા સ્ટાફએ મયૂર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


