ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતું દંપતિ ટ્રેકટરના ગાડાંમાં બેસીને ખેતરમાં જતા હતા. તે દરમ્યાન ટ્રેકટર અને ગાડાં વચ્ચેનો હૂક તૂટી જતાં ગાડાંમાંથી પટકાયેલા મહિલાનું ગંભીર ઇજા પહોંચતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતા અને ખેતી કરતા કાંતીભાઇ જીવરાજભાઇ હિંસુ (ઉ.વ.54) નામના પ્રૌઢ ગત્ તા. 30ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં ખારવા ગામથી ઇટાળા ગામ તરફ ખેતરે જવા માટે ટ્રેકટરના ગાડાંમાં જતા હતા અને ટ્રેકટર ખેડૂત ચલાવતા હતાં. પાછળ તેના પત્ની સવિતાબેન ગાડાંમાં બેઠા હતા. તે દરમ્યાન ટ્રેકટર અને ગાડાં વચ્ચેનો હૂક કોઇ કારણથી તૂટી જતાં ગાડાંમાં બેસેલા સવિતાબેન કાંતિલાલ હિંસુ (ઉ.વ. 47) નામના મહિલા નીચે પટકાયા હતા. જેમાં તેને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પતિ કાંતિલાલ દ્વારા જાણ કરવામાં આવતા હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


