ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ધનરાજભા જીમલભા માણેક નામના 25 વર્ષના હિન્દુ વાઘેર યુવાનના લગ્ન ગત તારીખ 10 ફેબ્રુઆરી 2022ના રોજ સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં રહેતા પુંજાભા ઉર્ફે ભુરાભા સુમરાભા હાથલની પુત્રી રાધિકા સાથે થયા હતા. તેઓને લગ્નજીવન દરમિયાન હાલ બે વર્ષનો પુત્ર આર્યવીરસિંહ છે.
આ વચ્ચે ફરિયાદી ધનરાજભા તેમજ રાધિકાને મનમેળ ન હોવાથી છેલ્લા આશરે દોઢ વર્ષથી તેણી પોતાના પિતાના ઘરે રિસામણે બેઠી છે. બંનેએ છૂટાછેડા માટે ઓખા ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ફરિયાદી ધનરાજભાને પોતાના પુત્રને દર રવિવારે રમાડવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
રવિવારે બપોરના સમયે ધનરાજભા માણેક પોતાના પુત્રને રમાડવા પોતાના સસરાના ઘરે ગયા હતા. અહીં રહેલા તેમના સસરા પુંજાભા ઉર્ફે ભુરાભા હાથલએ ધનરાજભાને તેમના પુત્રને રમાડવા આપવાની ના કહી દીધી હતી. આ પછી અહીં આવેલા તેના પત્ની રાધિકા અને સાસુ સરજુબેન તેમજ સાળા અભયભાએ તેમને ધક્કો મારી સાળા અભયભા તેમની ગરદન પર બેસી ગયો હતો અને પત્ની રાધિકા અને સાસુ સરજુબેને ધનરાજભાને બેફામ માર માર્યો હતો.
આ પછી અહીં આવી ગયેલા ફરિયાદી ધનરાજભાના મોટા સસરા નાયાભા સુમરાભા હાથલ અને તેના પુત્ર નિતીન નાયાભા હાથલ ઉપરાંત પ્રદીપ રામભા હાથલ નામના શખ્સો સાથે આરોપીઓએ એકસંપ કરી અને ફરિયાદી ધનરાજભાને બિભત્સ ગાળો કાઢી, “આજે તો તને પૂરો કરી દેવો છે” તેમ કહી અને ઢીકાપાટુનો માર્યો હતો અને ઘરમાં પગ મુકશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ફરિયાદી ધનરાજભાને ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હોવાથી મીઠાપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે ફરિયાદીની પત્ની રાધિકા, સસરા પુંજાભા, સાળા નાયાભા, પિતરાઈ સાળા નિતીન અને પ્રદીપ રામભા નામના સાત પરિવારજનો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


