ખંભાળિયા નજીકના ખજુરીયા ગામે સોમવારે પોલીસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી, રૂ. 4.30 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા. આ પ્રકરણમાં અહીંના સોનલનગરમાં રહેતો એક ફરાર થઈ ગયો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ડીવાયએસપી વી.પી. માનસસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા દારૂ, જુગારની પ્રવૃત્તિ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ખંભાળિયાના વડત્રા આઉટ પોસ્ટ વિસ્તારમાં સોમવારે સાંજે પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા તથા કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ખજુરીયા ગામની ઓરીયા વાડી વિસ્તારમાં એક આસામીની વાડી પાસેના સરકારી ખરાબામાં ખંભાળિયાના સોનલનગર વિસ્તારમાં રહેતા આલા ફોગા કારીયા નામના શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવીને સાથે મળીને ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા કાસમ હારુન ગજીયા, ખેંગાર પુના પતાણી, દાઉદ સીદીક ઘાવડા, ભરત તુલસીદાસ દતાણી, લધુ માંડણ મુન, વિનોદ કુરજી વિઠલાણી અને રાણા આશા સંધીયા નામના સાત શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
આ દરોડા દરમ્યાન પોલીસે રૂપિયા 1,29,500ની રોકડ રકમ તેમજ રૂ. ત્રણ લાખની કિંમતની બે મોટરકાર સહિત કુલ રૂપિયા 4,29,500 નો મુદ્દામાલ કબજે કરી, તમામ સાત શખ્સોની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં આલા ફોગા કારીયા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી, વિરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને યોગરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.


