Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશહેરમાં શ્વાનની વસ્તી નિયંત્રિત કરવા રૂા. 4 કરોડના ખર્ચે ખસીકરણ કરશે જામ્યુકો

શહેરમાં શ્વાનની વસ્તી નિયંત્રિત કરવા રૂા. 4 કરોડના ખર્ચે ખસીકરણ કરશે જામ્યુકો

સમર્પણ જંકશન અને ઠેબા ચોકડી જંકશન પર ફલાય ઓવર બ્રિજ માટેના ટેન્ડર ફાઇનલ થઇ જતાં ખર્ચને અપાઇ બહાલી : તળાવમાં પાણી ઠાલવતી ડેમેજ ફિડીંગ કેનાલના પુન:નિર્માણ માટે રૂા. 1.88 કરોડ ખર્ચાશે : રંગમતિ નદીના દબાણો દૂર કરવા અને સફાઇ કરવા માટે સ્થાયી સમિતિએ કમિશનરને પાઠવ્યા અભિનંદન...!!!

જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિએ શહેરમાં કુલ 190 કરોડના જુદા જુદા વિકાસ ખર્ચને બહાલી આપી છે. જેમાં સમર્પણ સર્કલ પર ફોરલેન અને ઠેબા ચોકડી પર સિક્સલેન ફલાય ઓવરનો પણ સમાવેશ થાય છે. સમર્પણ જંકશન પર ફલાય ઓવર બ્રીજના નિર્માણ માટે ટેન્ડર ફાઇનલ થઇ જતાં રૂા. 52.57 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે ઠેબા બાયપાસ જંકશન પર સિક્સલેન ફલાય ઓવર બ્રીજ માટેનું ટેન્ડર પણ ફાઇનલ થઇ જતાં રૂા. 89.12 કરોડના ખર્ચની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. બન્ને ફલાય ઓવરના ટેન્ડર ફાઇનલ થઇ જતાં ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં જામનગર શહેરમાં રઝળતા શ્ર્વાનોનો ત્રાસ દૂર થાય તે માટે તેમની વસ્તી નિયંત્રિત કરવા માટે ખસીકરણ કરવા રૂા. 4.09 કરોડનો ખર્ચને બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત ઇન્દિરા માર્ગ પર મહાલક્ષ્મી બંગલોથી નાઘેડી બાયપાસ થઇ પ્રણામી ટાઉનશીપ સુધી બોક્સ કેનાલ તેમજ તેને સમાંતર ડ્રેનેજ લાઇન બનાવવા માટે રૂા. 6.77 કરોડના ખર્ચને મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે એરફોર્સ-2 થી દિગ્જામ સર્કલ વાયા સત્યમ્ કોલોની અન્ડર બ્રીજ થઇ શિવમ્ પાર્ક સુધી બોક્સ કેનાલ તથા ડ્રેનેજ લાઇન માટે રૂા. 15.83 કરોડ મંજૂર કરાયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વોર્ડમાં સિમેન્ટ રોડ, બાગ બગીચા સહિતના આંતરમાળખાકીય કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

શહેરમાં પંપહાઉસ ફિલ્ટર પ્લાન સમ્પ તેમજ શંકર ટેકરી ઇએસઆર પર સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવા માટે રૂા. 3.86 કરોડ મંજૂર કરાયા છે. જ્યારે શહેરમાં જુદા જુદા પ્રસંગે લાઇટીંગ ડેકોરેશન અને વ્યવસ્થાના કામ માટે રૂા. 29 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. જામનગરમાં નવનિર્મિત ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની જાળવણી અને તેને ચલાવવા માટે ત્રણ વર્ષમાં રૂા. 2.47 કરોડનું ખર્ચ કરવામાં આવશે. રણમલ તળાવમાં વરસાદી પાણી ઠાલવતી કેનાલ કે જે ન્યુ સ્કૂલથી તળાવના ગેઇટ નંબર નવ સુધી ડેમેજ થઇ ગઇ હોય તેને તોડી પાડી તેની જગ્યાએ રૂા. 1.88 કરોડના ખર્ચે ફરીથી આ કેનાલનું નિર્માણ કરવામાં આવશે.

- Advertisement -

ભૂગર્ભ ગટર અને વોટર વર્કસ વિભાગ હસ્તકના જુદા જુદા કામોને પણ સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેરમાં મેલેરિયા વિભાગની કામગીરી કરવા માટે એજન્સી મારફત બે તાતા એસ ગોલ્ડ વાહન ભાડે રાખવા માટે રૂા. 9.23 લાખનું ખર્ચ મંજૂર કરાયું છે. જ્યારે વાહનો મારફત ગાર્બેજ કલેકશનના કામ માટે રિ-ટેન્ડર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, જીજ્ઞેશ નિર્મલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular