ખંભાળિયાના એક રીઢા ગુનેગાર દ્વારા સરકારી જમીન પર રહેણાંક મકાન સ્વરૂપે કરવામાં આવેલા દબાણ પર ગુરુવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતનું 1,200 ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે.
પોલીસો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર એલ.આઈ.સી. ઓફિસની પાછળના ભાગે રહેતા અકબર ઉર્ફે હક્કો અલીમામદ બ્લોચ નામના શખ્સ સામે અગાઉ લૂંટ, ચોરી, હથિયારધારા, મારામારી તેમજ પ્રોહીબીશન સહિતના જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા. આથી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોની યાદી કરી આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા એલ.આઈ.સી. ઓફિસની પાછળ આશરે 1200 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પર બે માળના રહેણાંક મકાન સ્વરૂપે કરવામાં આવેલું દબાણ ગઈકાલે ગુરુવારે સીટી સર્વે, મામલતદાર, પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને દૂર કરવાની કાર્યવાહી કરી, આશરે રૂપિયા નવ લાખ જેટલી કિંમતનું આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા, સીટી સર્વેના એમ.કે. મકવાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, યુ.કે. મકવા, વી.આર. વસાવા, ફાયર અધિકારી મીતરાજસિંહ પરમાર, પીજીવીસીએલ અધિકારી આર.એમ. જાડેજા તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા કરાઈ હતી.


