જામનગર તાલુકાના સિકકા ગામમાંથી કારમાં દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે રેઇડ કરવા ગયેલી પોલીસને જોઇ ચાલક કાર મૂકી નાસી ગયો હતો. ત્યારબાદ પોલીસે કાર અને દારૂની બોટલો કબ્જે કરી નાશી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી. જ્યારે ધ્રોલ એસટી બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે એક શખ્સને ચાર નંગ દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના સિકકા ગામમાં પંચવટી રોડ પરથી કારમાં દારૂની હેરાફેરી કરાતી હોવાની હે.કો. મહેન્દ્રસિંહ સિંધવ, પો. કો. રોહીત ભાટિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએસપી પ્રતિભાબેનના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે. જે. ચાવડા અને પી. ટી. જયસ્વાલ, હે.કો. મહેન્દ્રસિંહ સિંધવ, પો.કો. રોહિત ભાટિયા સહિતના સ્ટાફે બાતમી મુજબની જીજે05-સીકયુ-4444 નંબરની સ્કોડા કારનેે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ભગાવી મૂકી હતી અને આગળ પહોંચીને કારમાંથી ઉતરીને પલાયન થઇ ગયો હતો. પાછળ પહોંચેલી પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 36,920ની કિંમતની 72 બોટલ દારૂ મળી આવતા પોલીસે દોઢ લાખની કાર અને દારૂ મળી કુલ રૂા. 1,87,440નો મુદામાલ કબ્જે કરી કારના નંબરના આધારે ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
જ્યારે બીજો દરોડો ધ્રોલ એસટી બસ સ્ટેન્ડ પાછળના રસ્તા પાસે એક શખ્સ દારૂના ચપલા સાથે પસાર થવાનો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન ચિરાગ ખેંગાર રાઠોડ નામના શખ્સને રૂા. 400ની કિંમતના ચાર નંગ દારૂના ચપલા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


