જામનગરમાં તેની પ્રેમિકા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતા યુવકનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી ઢોરમાર મારી ફેંકી દીધા બાદ જી જી હોસ્પિટલમાં 12 દિવસની સારવારના અંતે યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરાયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા દરમ્યાનગીરી કરાતાં મામલો થાળે પડયો હતો.
View this post on Instagram
હત્યાના આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતા આશિષભાઇ રાણાભાઇ અસ્વાર (ઉ.વ.21) નામના યુવકનું ગત્ તા. 7 મેના રોજ અજાણ્યા શખ્સો અપહરણ કરી કનસુમરા નજીક આવેલી અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા. ત્યાં ઢોરમાર મારી ફેંકી દીધો હતો. ત્યારબાદ યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પંચકોષી ‘બી’ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં યુવક બેશુઘ્ધ હાલતમાં રહ્યો હતો. પરંતુ યુવકની 12 દિવસની સારવાર બાદ બેશુદ્ધ અવસ્થામાં જ મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો અને પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા નિપજતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બનાવના પગલે બ્રહ્મસમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતક યુવક ક્રિષ્નાબેન નામની યુવતી સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
વધુમાં મળતી વિગત મુજબ યુવકનું અપહરણ થતાં ક્રિષ્નાબેન તેના ફૈબાને ફોન પર વાત કરતા હતા ત્યારે સામેથી એવો જવાબ મળ્યો હતો કે તારા પિતા અને તારા ફુઆ સહિતના આશિષને ઉઠાવી ગયા છે. તારે જે કરવું હોય તે કરી લેજે એમ કહ્યું હતું. ત્યારબાદ સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને ત્યાં આશિષનું અપહરણ કરી ઢોરમાર મારવા માટે તેના પિતા વિક્રમભાઇ, ફુઆ રામદેવભાઇ અને ફૈબા નિરૂબેન સામે ફરિયાદ નોંધાવી હતી. આ હુમલાની ઘટનામાં યુવકનું મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


