ખંભાળિયા તાલુકાના ભરાણા ગામેથી પોલીસે ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા અન્ય રાજ્યના એક શખ્સને ઝડપી લઇ દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયેલા આ સમગ્ર પ્રકરણની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના નોદિયા જિલ્લાના કાનપુર ગામના વતની અને હાલ ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામે રહેતા ગૌતમ ચંદ્રકાંત રોય નામના 56 વર્ષના ચંદ્રવંશી ઠાકોર પ્રૌઢ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભરાણા ગામે પોતાના ઘરે સ્થાનિક લોકોની તબીબી સારવાર કરવામાં આવતી હતી. આ અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસના અંતે ઉપરોક્ત શખ્સ પાસે તબીબી સારવાર માટે કોઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હતી. તેમ છતાં પણ તે ડોક્ટર હોવાનો દેખાવ કરી, અહીં દવાખાનુ ચલાવતો હતો.
આ સ્થળે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદી જુદી બીમારીઓની ટીકડીઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ, બીપી માપવાના સાધન, સહિતના મુદ્દામાલ સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો. આમ, પોતે ડોક્ટર ન હોવા છતાં પણ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી, માનવ જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મૂકે તેવું કૃત્ય કરતા પોલીસે તેની અટકાયત કરી, કુલ રૂપિયા 24,230 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પછી તેની સામે પોલીસે ફરિયાદી બની ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળ આગળની તપાસ એ.એસ.આઈ. વી.વી. માયાણી ચલાવી રહ્યા છે.


