સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને સરકારી વકીલની દલીલો ધ્યાને લઇ 20 વર્ષની સખ્ત કેદની સજા તથા 17000 નો દંડ અને ભોગ બનનારને વળતરપેટે રૂા.4 લાખ ચૂકવવા પોકસો કોર્ટે હુકમો કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલના મોસીન રહીમ મકવાણા નામના શખ્સે ફરિયાદીની 14 વર્ષની સગીર પુત્રી સાથે અવાર-નવારફ ફોનમાં વાતચીત કરતો હોય, પ્રેમજાળમાં ફસાવી તા.8-12-2018 ના ભોગ બનનારને રાજકોટથી ભગાડી ગયો હતો ત્યારે આરોપીના ઘરેથી ફોન આવતા ભોગ બનનારને આરોપી ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ તા.30-04-2019 ના રોજ ભોગ બનનારે આરોપીને ફોન કર્યો કે, અહીં રહેવું નથી જેથી આરોપી ભોગ બનનારને પોતાની મોટરસાઈકલમાં બેસાડી રાજકોટ લઇ ગયો હતો. જ્યાં મકાન ભાડે રાખી ભોગ બનનારને રાખી ભોગ બનનારની ઈચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ રાજકોટથી સુરત લઇ જઇ ત્યાં પણ ભોગ બનનારની ઈચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તા.26-6-2019 ના આરોપીના મિત્રનો આરોપીને ફોન આવેલ કે તારા પિતાને હાઈકોર્ટમાં સોગંદનામુ કરવાનું છે તો આવી જા જેથી આરોપીઓ અને ભોગ બનનાર અમદાવાદ પહોંચતા પોલીસે ઝડપી લીધા હતાં.
આ અંગે ફરિયાદીએ મોસીન રહેમી મકવાણા વિરૂધ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે સાહેદો દસ્તાવેજી પૂરાવાઓ તથા સરકારી વકીલની દલીલો માન્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવી આઈપીસી કલમ 376(3) તથા પોકસો કલમ 4, 6 મુજબ 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.10000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઈપીસી 363 મુજબ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.2000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા કલમ 366 મુજબ પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.5000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા સ્પેશિયલ પોકસો કોર્ટના જજ વી પી અગ્રવાલ એ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.


