Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર અને દેવભૂમિ દ્વારકામાં હૃદયરોગના હુમલાએ ત્રણ વ્યક્તિનો ભોગ લીધો

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હૃદયરોગના હુમલાએ ત્રણ વ્યક્તિનો ભોગ લીધો

નાની વાવડી ગામમાં દુકાનને તાળુ મારતા સમયે વૃઘ્ધ વેપારીને હાર્ટએટેક : દ્વારકાના ભાટિયામાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ : ઓખામાં પીજીવીસીએલના કર્મચારીનું હાર્ટએટેકથી મોત : જામનગર અને દ્વારકા સહિત રાજ્યમાં વધતાં જતાં હાર્ટએટેકના બનાવો

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતાં વેપારી વૃદ્ધ સાંજના સમયે તેની દુકાની તાળું મારતા હતા તે દરમ્યાન અચાનક હાર્ટએટેક આવતાં બેશુઘ્ધ થઇ જવાથી સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કલ્યાણપુરના ભાટિયા ગામમાં રહેતા પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. તેમજ ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા પ્રૌઢને રાત્રિના સમયે હાર્ટએટેક આવતાં મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

હાલારમાં ઘણા સમયથી હાર્ટએટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોનાકાળ પછી હૃદયરોગના હુમલામાં મોત નિપજવાની ઘટના જામનગર સહિત સમગ્ર દેશમાં વધી ગઇ છે. હાર્ટએટેકના હુમલામાં નાના બાળકોથી લઇને સાઇઠ વર્ષ સુધીના વ્યક્તિઓ હૃદયરોગના હુમલામાં ભોગ બનતા જાય છે. તે ગંભીર બાબત છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાના બાળકો અને યુવાનોમાં હાર્ટએટેકના હુમલાને કારણે મોત નિપજવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમાં પણ નાના બાળકો અને યુવાનો હૃદયરોગના હુમલાનો ભોગ બનતા જાય છે. દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ વ્યક્તિઓ હાર્ટએટેકનો ભોગ બન્યા છે.

પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા ગોવિંદભાઇ ગોપાલભાઇ મુળછા (ઉ.વ.72) નામના વેપારી વૃઘ્ધ ગુરૂવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં નવા માર્કેટીંગ યાર્ડમાં તેમની ગોવિંદભાઇ ગોપાલભાઇ એન્ડ કાું. નામની દુકાનમાંથી ઘરે જવા માટે તાળુ મારતા હતા તે દરમ્યાન અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેશુઘ્ધ થઇ ઢળી પડયા હતા. ત્યારબાદ વૃઘ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર નિતેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો બનાવ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતાં માલદેભાઇ નાગાજણભાઇ ઓડેદરા નામના મેર પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતાં તબિયત લથડતાં સારવાર માટે કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ કરાતા કલ્યાણપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામમાં આવેલા ગાંધીનગરી વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા પેથાભાઇ પબાભાઇ શિરુકા (ઉ.વ.56) નામના પ્રૌઢને રાત્રિના સમયે તેના ઘરે હાર્ટએટેક આવતાં મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં મીઠાપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular